Bhavnagar
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન, બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ
પવાર
ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિતે આજરોજ CSMCRIના પ્રિન્સીપલ સાયન્ટીસ્ટ ડો. પ્રતાપ બાપટ દ્વારા એક્સપર્ટ લેક્ચર લેવામાં આવ્યાં હતું. બાળકો માટે ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરીને બાળકોમા ઊર્જા સંરક્ષણ નિમીત્તે જાગૃતિ કેળવવામાં આવી હતી. આ કાર્યક્રમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓએ ભાગ લીધો હતો.
દર વર્ષે 14 ડિસેમ્બરે ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’ મનાવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે જાગૃત કરવા અને ઊર્જા સ્ત્રોતોની બચત માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે. વધતી વસ્તી સાથે ઊર્જા સંસાધનોની જરૂરીયાત પણ વધી રહી છે. ઊર્જા સંરક્ષણ એ બળતણનો વપરાશ ઘટાડવા અને ભવિષ્ય માટે બચત કરવા માટે ઓછામાં ઓછા ઊર્જા સંસાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ છે.
એવી પ્રબળ અપેક્ષા છે કે ભાગ લેનાર વિદ્યાર્થીઓ આવનારા ભવિષ્યમાં ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે ચોક્કસપણે યોગદાન આપશે. ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિતે ચાર દિવસીય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી (જેડા), ક્લાઈમેટ ચેન્જ વિભાગના સયુંકત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ.ગિરિશ ગૌસ્વામીએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રતિભાગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની માહિતી આપી હતી.