Gujarat
ગુજરાતનાં 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓમાં માત્ર એક શિક્ષક : કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી
કુવાડીયા
- શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ
ગુજરાતના 33 જિલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડિયા ક્ધવીનર અને પ્રવકતા ડો.મનીષ દોશીએ નિવેદનમાં જણાવાયું છે. ગુજરાતના 33 જીલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમી દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવકતા ડો.મનિષ દોશીએ જણાવ્યું છે. વધુમાં ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ બીજી તરફ ગુજરાતમાં 1657 સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે? તેમનું ભણતર કેવું હશે? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. 1657માંથી સૌથી વધુ 1363 શાળાઅ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જયારે બાકીની 294 શાળાઓ રાજયના શહેરી વિસ્તારોની છે.
આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજયની 33 જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે. જેમાં કચ્છમાં 213, અમદાવાદમાં 98, રાજકોટમાં 83, બનાસકાંઠામાં 81, તાપીમાં 80, મહિસાગરમાં 77, અને દેવભૂમિ દ્વારકામાં 73 શાળાઓ છે. ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતા હોય છે તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે. આ છે ભાજપ સરકારની શિક્ષણ અંગેની વ્યવસ્થાનો ચિતાર…છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયા ફાળવણીના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં કાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભષ્ટ્રાચારનું એપી સેન્ટર છે રાજયની 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ/ બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું છે.