Sihor
માવઠાના રાહત પેકેજમાં સિહોરની બાદબાકી ; ફેરવિચારણા કરી સમાવેશ કરવાની માંગ

પવાર ; દેવરાજ
ઉનાળાના પ્રારંભથી કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાએ સિહોર પંથક સહિત રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોળ્યા છે. અને આ વરસાદ તેમજ વાવાઝોડાએ ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે. અને એ પછી રાજ્ય સરકારે રાહત પેકેજ માટે તાલુકાઓના નામ જાહેર કર્યા છે. પરંતુ તેમાં સિહોર તાલુકાનો સમાવેશ ન કરાતાં સિહોર પંથકના ધરતીપુત્રોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે ભાજપના આગેવાન અશ્વિનભાઈ પરમાર અને ટાણા ગામના અગ્રણી રઘુવીરસિંહ ગોહિલે ફેર વિચારણા કરી સિહોરને સમાવિષ્ટ કરવાની માંગ કરી છે, છેલ્લાં દિવસોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ સિહોર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય પંથકમાં ખેતીવાડીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.
કેરી, ઉનાળુ બાજરો, ઉનાળુ તલ, જુવાર, લીંબુ, શીંગ સહિતના પાકનો સોથ બોલાવી દીધો છે અને એમાંય લીંબુ અને કેરીના પાકને વધારે પ્રમાણમાં નુકસાન થયું છે. સિહોર પંથકના ધરતીપુત્રોની આર્થિક હાલત કથળેલી હતી એમાં કુદરતનો ફટકો પડ્યો. કુદરત રૂઠી,પણ સરકારે હળાહળ અન્યાય કર્યો. પોતાના અમૂલ્ય પાકને બચાવવા માટે રાત-દિવસ એક કરતાં ધરતીપુત્રોના હાલ-બેહાલ થઇ ગયા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદમાં થયેલ નુકસાની માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ આ યાદીમાં સિહોર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેથી 78 ગામોમાં ખેતી કરતા લોકોમાં નિરાશા જન્મી છે. ગ્રામ્ય લેવલે રોજગારી માટે ખેતી એ મુખ્ય આધાર હોય છે. પરંતુ એમાં સિહોર તાલુકાની જ બાદબાકી કરવામાં આવી છે. આથી સિહોર તાલુકાના ધરતીપુત્રોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં કમોસમી વરસાદે પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જિલ્લા ભાજપના યુવા આગેવાન અશ્વિનભાઈ પરમાર અને સિહોરના ટાણા ગામના અગ્રણી રઘુવીરસિંહ ગોહિલે સરકાર અને તેમના પ્રતિનિધિઓને રજૂઆત સિહોર અને તાલુકાના અસરગ્રસ્ત ગામોને રાહત પેકેજનો લાભ મળે અને ફેરવિચારણા કરી સિહોરને સમાવેશની માંગ છે