Bhavnagar
હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ; રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 127મી જન્મજયંતિ
પરેશ દુધરેજીયા – બરફવાળા
- સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં મહામૂલું યોગદાન આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 127મી જન્મજયંતિ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેમની રચનાઓ થકી આજે પણ લોકહૈયે જીવંત છે. આવો ઝવેરચંદ મેઘાણી વિશે વધુ જાણીએ.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણિક હતાં. તેમનાં પિતાની પોલીસ ખાતામાં નોકરી હોવાથી ગુજરાતના અલગ-અલગ ગામોમાં રહેવાનું થયું હતું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયું હતું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્ડ એમ.પી. ગાંધી સ્કૂલમાં 1910 થી 1912 સુધી માધ્યમિક શિક્ષણ મેળવી 1912માં મેટ્રિક થયા હતા. તેમણે ઈ.સ. 1916માં ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય અભ્યાસ કર્યો હતો. ભણતર પૂરું કર્યા બાદ વર્ષ 1917માં તેઓ કોલકત્તા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનીયમ કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે એક વાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી આ નોકરી છોડીને પોતાના વતન બગસરામાં સ્થાયી થયા. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા અને દાંપત્યજીવનની શરૂઆત થઈ. નાનપણથી ઝવેરચંદનો ગુજરાતી સાહિત્ય તરફ ઝુકાવ હતો. રાણપુરથી પ્રકાશિત થતા ’સૌરાષ્ટ્ર’ નામના છાપામાં લખવાની શરૂઆત કરી ત્યારબાદ 1922 થી 1935 સુધી તેઓ સૌરાષ્ટ્રના તંત્રી તરીકે પણ રહ્યા હતા.
આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઇ ’કુરબાનીની કથાઓ’ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત થયેલ પુસ્તક હતું. ત્યારબાદ તેઓએ ’સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી. 1926માં ’વેણીનાં ફૂલ’ કાવ્ય સંગ્રહથી તેમણે કવિતા લેખનમાં પગલાં પાડયાં. ઇ.સ. 1928માં તેમના લોકસાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ’સિંધુડો’ ભારતના યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયું હતું. તેમનાં શૌર્યસભર ગીતોએ લોકોને આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતાં જેના કારણે તેમને ઇ.સ. 1930માં બે વર્ષની જેલ પણ થઈ હતી. જેલના સમયગાળા દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ’ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી પણ નવાજ્યા હતાં. ત્યારબાદ તેમણે લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. ઈ.સ. 1933માં પત્નીનાં દેહાંત બાદ તેઓ મુંબઈ સ્થાયી થયા અને અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. ત્યારબાદ તેમણે ’કલમ અને કિતાબ’નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરૂઆત કરી. વર્ષ 1936 થી વર્ષ 1945 સુધી તેમણે ફૂલછાબનાં સંપાદક તરીકેની ભૂમિકા અદા કરી હતી. જે દરમ્યાન 1942માં ’મરેલાનાં રૂધિર’ નામની પુસ્તિકા પ્રકાશિત કરી હતી. 1946માં તેમના પુસ્તક ’માણસાઈનાં દીવા’ ને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે પણ નિમવામાં આવ્યા હતા. આમ આટલી બધી જવાબદારીઓ સુપેરે નિભાવ્યા બાદ 9 માર્ચ 1947ના દિવસે માત્ર 50 વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થયું હતું.