Gujarat
સોમ મંગળવારની બેંક હડતાળ પાછી ખેંચાઈ : વિવિધ મુદે સમાધાન
પવાર
પાંચ દિવસના સપ્તાહ મામલે એકાદ માસમાં પ્રક્રિયા શરૂ કરવા સહમતી : 31મીએ ફરી બેઠક
પાંચ દિવસનું સપ્તાહ કરવા સહિત અર્ધોડઝન માંગણીઓના મુદે 30-31 જાન્યુઆરીએ સળંગ બે દિવસની હડતાળના એલાન બાદ છેવટે બેંક કર્મચારી યુનિયન સાથે સમાધાન થતા હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. બેંક કર્મચારી યુનિયન તથા ઈન્ડીયન બેંક એસોસીએશન વચ્ચે 24મી જાન્યુઆરીની બેઠક નિષ્ફળ રહ્યા બાદ ગઈકાલે શુક્રવારે ફરી મીટીંગ થઈ હતી.વાટાઘાટોનો દોર ચાલુ રાખીને વિવિધ માંગણીઓ વિશે સમાધાન કરવા સહમતી બની હતી. હવે 31 જાન્યુઆરીએ બેઠક થશે તેમાં કોઈ ઉકેલ ન આવે તો નવી મીટીંગની તારીખ નકકી કરી લેવાનો નિર્ણય થયો હતો.
બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ કરવા, પેન્શન અપડેટ કરવા તથા જુની પેન્શન સ્કીમ જેવા ત્રણ મુદાઓ સંયુક્ત ફોરમ સાથે ચર્ચાશે જયારે અન્ય મુદાઓ પર વ્યક્તિગત રીતે યુનિયન સાથે મીટીંગ કરવાનો નિર્ણય લેવાયો હતો. તબકકાવાર વારાફરતી તમામ મુદાઓનો ઉકેલ લાવીને અમલી બનાવવાનું નકકી થયું હતું. અમુક મુદ્દાઓ ચોખવટના વાંકે અટકયા છે તે એક મહિનામાં ઉકેલવાની સહમતી સાધવામાં આવી હતી. બેંકોમાં પાંચ દિવસના સપ્તાહને લાગેવળગે છે ત્યાં સુધી સંબંધીત પક્ષકારોના અભિપ્રાયો મેળવીને એક મહિનામાં સહમતી સાથે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. બેંક કર્મચારી યુનિયન તથા ઈન્ડીયન બેંક એસોસીએશન સમાધાનકારી માર્ગ આગળ વધવા સંમત થતા બે દિવસની હડતાળનું એલાન પાછુ ખેંચી લેવાયુ હતું. અત્રે ઉલ્લેકનીય છે કે બે દિ’ની હડતાળના એલાનના સંજોગોમાં આજથી સતત ચાર દિવસ બેંકો બંધ રહે તેવી સ્થિતિ સર્જાઈ હતી.