Bhavnagar
કોંગ્રેસના હારેલા ઉમેદવારે લેટર બોમ્બ ફોડ્યો…પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવા રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખ્યો…
કુવાડિયા
ઘરના જ વિશ્વાસઘાતી નીકળ્યા, જગદીશ ઠાકોરે પાર્ટી વિરુદ્વ કામ કરનારાઓને સસ્પેન્ડ નહી કરતાં મારી હાર થઈ : રઘુ શર્મા – પ્રમુખે પોતાની જવાબદારી સમજી નથી, છેલ્લા દિવસ સુધી મારી વિરુદ્વ અને પાર્ટી વિરુદ્વ કામ કરવામાં આવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે અને હવે આત્મમંથન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ હારેલા ઉમેદવારો પણ હારનું ઠીકરું ફોડી રહ્યા છે અને તેમાં બનાસકાંઠાની રાધનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હારેલા ઉમેદવાર રઘુ દેસાઈએ લેટર બોમ્બ ફોડ્યો છે. જેમાં તેમણે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉપર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. માત્ર એટલું જ નહી પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પણ પત્ર લખીને રજૂઆત કરીને પગલાં ભરવા માગણી કરી છે. બનાસકાંઠાની રાધનપુર બેઠક ઉપરથી કોંગ્રેસના રઘુ દેસાઈનો ભાજપના લવિંગજી ઠાકોર સામે પરાજય થયો છે. હવે રઘુ દેસાઈએ હારનું ઠીકરું પ્રદેશ પ્રમુખ ઉપર ફોડ્યું છે અને કહ્યું કે, મારી વિરુદ્વ છેલ્લા દિવસ સુધી કામ કરવામાં આવ્યું હતું અને મને હરાવવા માટે પાર્ટીના માણસોએ કામ કર્યું હતું. જે તે સમયે મેં પ્રભારી રઘુ શર્મા અને જગદીશ ઠાકોરને પણ આવા માણસોને અટકાવવા અને તાકીદે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી પણ કરી હતી. જાે કે, મારી માગણીઓ અને રજૂઆતોને નજર અંદાજ કરવામાં આવી હતી અને જેના કારણે મારી હાર થઈ છે. કેટલાક નેતાઓએ પાર્ટીમાં રહીને પાર્ટીની વિરુદ્વમાં કામ કર્યું છે અને તેમણે જગદીશ ઠાકોર કાબૂમાં રાખી શક્યા નથી. જાે જગદીશ ઠાકોરે મારી વિરુદ્વમાં કામ કરનારા નેતાઓને સસ્પેન્ડ કર્યા હોત તો પરિણામ કંઈક અલગ જ આવ્યું હોત. રઘુ દેસાઈએ વધુમાં કહ્યું કે, આ મામલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ પત્ર લખીને રજૂઆત કરી છે અને જગદીશ ઠાકોર સહિત મારી વિરુદ્વ કામ કરનારા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગણી પણ કરી છે.