Bhavnagar
ડાયરામાં લોકોને શુરાતન ચઢાવનાર દેવાયત ખવડ મામલે ક્ષત્રિયોની પોલીસને ચીમકી

કુવાડિયા
તાજેતરમાં રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ ધ્રાંગધ્રાના કોંઢ ગામના ક્ષત્રિય યુવાન પર ધોકા પાઈપ વડે હુમલો કર્યો હતો. જેના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા લોકસાહિત્યકાર ફરાર થઈ ગયો છે. જોકે આ બનાવના આઠ દિવસ બાદ પણ પોલીસ તેને શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યારે પીડિતાના પરિવારના સભ્યોએ આરોપી દેવાયત ખવડને પોલીસ છાવરતી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે. અવાર-નવાર ડાયરામાં લોકોને શુરાતન ચઢાવનાર “રાણો રાણાની રીતે” ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેલ્લા આઠ દિવસથી પોલીસ શોધી રહી છે. રાજકોટમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરવા બાબતે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગુનો નોંધાયો છે.
મારામારીના બનાવ અંગે દેવાયત ખવડ તરફથી આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી છે. આજે આગોતરા જામીનની અરજીની સુનાવણી આજે ટળી છે. રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે. દેવાયત ખવડ 8 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ ક્ષત્રિય સમાજના 50થી વધુ આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આગેવાનોએ ડીસીપી સુધીર દેસાઈને રજૂઆત કરી હતી કે, આગામી 48 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ નહીં કરવામાં આવે તો મયુરસિંહ રાણાના પરિવારજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનો આંદોલન પર ઉતરશે. અત્યાર સુધીમાં ત્રણ આવેદન આપી ચૂકી છે, હવે ચોથુ આવેદન ધરણાનું હશે અને પાંચમું આવેદન ઉપવાસ આંદોલનનું હશે.