Bhavnagar
રાજધાની દિલ્લી ખાતે કિસાન સન્માન કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સણોસરા જોડાયું

લોકભારતી, સણોસરા ખાતે ખેડૂતોની ઉપસ્થિતિમાં પ્રસારણ સાથે કિસાન સન્માન સંમેલન મળ્યું
———
રાજધાની દિલ્લી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુખ્ય ઉપસ્થિતિમાં પી.એમ.કિસાન સન્માન કાર્યક્રમમાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો સાથે સણોસરા કેન્દ્ર પણ જોડાયું અને પ્રસારણ લાભ સાથે કૃષિ અધિકારીઓનું માર્ગદર્શન મેળવ્યું હતું.
ભાવનગર જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, લોકભારતી, સણોસરા ખાતે સંસ્થાના નિયામકશ્રી હસમુખભાઈ દેવમુરારીએ સરકાર દ્વારા કૃષિ, ગોપાલન સાથેના ગ્રામવિકાસ અભિગમની વાત કરી આ કાર્ય લોકભારતીના પાયામાં રહ્યાનું જણાવ્યું હતું.
ભાવનગર જિલ્લા પંચાયતના કૃષિ અધિકારીશ્રી જાદવે આવાં આયોજનો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મેળવી લાભ લેવાં અનુરોધ કર્યો હતો. આ માટે તેઓએ આધાર ઓળખ પત્રની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
ખેતીવાડી અધિકારીશ્રી ચતુરભાઈ સાંખટે પી. એમ. કિસાન સન્માન નિધીના આજના ૧૨ માં હપ્તાની રકમ જમા થઈ રહ્યાનું જણાવ્યું હતું. તેમણે ખેતી ટકાવી રાખવા સરકારના સહાયક પગલાં સાથે ખેડૂતોને આયોજન માટે અનુરોધ કર્યો હતો.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડાશ્રી નિગમ શુક્લે પ્રારંભે આ સંમેલનના હેતુ સાથે દેશના વિકાસદરમાં કૃષિ ક્ષેત્રને મજબૂત સ્થાન હેતુ થઈ રહેલા સફળ આયોજનનો સહર્ષ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, દિલ્લી ખાતેના સમારોહ દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં નિધિના ૧૨માં હપ્તાની રકમ એકસાથે જમા કરવાં સાથે રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત ૬૦૦ પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોના ઉદ્દઘાટન, ભારતીય જન ઉર્વરક પરિયોજના તળે એક રાષ્ટ્ર એક ખાતર ઉપક્રમનો પ્રારંભ, બે દિવસીય પ્રદર્શન ઉદ્ઘાટન વગેરે આયોજનના પ્રસારણ સાથે ખેડૂતો જોડાયાં હતાં.
સણોસરા ખાતેના આ સંમેલનની સફળતા માટે સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ અને ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાએ સરકારની કૃષિ વિકાસ અભિગમની પ્રશંસા કરી ખેડૂતોને શુભકામના સંદેશ પાઠવ્યો હતો.
સંમેલનમાં શ્રી શિલાબેન બોરિચાના સંચાલન સાથે કૃષિ નિષ્ણાતો શ્રી જગદીશ કંટારિયા અને શ્રી લાલજીભાઈ લુખીએ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું.
પ્રસારણ સાથેના આ સંમેલન આયોજનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી સરોજબેન ચૌધરી, શ્રી પ્રદીપભાઈ ક્યાડા વગેરે સાથે ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.