Sihor
જય જય જગન્નાથ ; આવતીકાલે સિહોરના રાજમાર્ગો જગન્નાથજીની રથયાત્રા ફરશે
બુધેલીયા
આવતીકાલે અષાઢી બીજે ઠાકરદ્વારા મંદિરેથી થશે રથયાત્રાનું પ્રસ્થાન, જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં ઉમટી પડશે ભાવીકો
સિહોરમાં આવતીકાલે મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. આ રથયાત્રા મોટાચોકમાં આવેલ ઠાકરદ્વારા મંદિરેથી સવારે 8:30 કલાકે પરંપરાગતરીતે નીકળશે. આ રથયાત્રા ઠાકરદ્વારા મંદિરેથી ખારાકૂવા ચોક, વખારવાળો ચોક, શાકમાર્કેટ, તમાકુ બજાર, જે.કે. મહેતા રોડ, કંસારા બજાર, સુરકાનો ડેલો, નદીમાં થઇને શિવ શક્તિ સોસાયટી, ભુતા સ્કૂલ, વડલાવાળી ખોડિયાર, સ્ટેશન રોડ, પાબુજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, રેલવે ફાટક થઇ શાંત હનુમાનજી દેરીવાળા ખાંચામાં થઇ, ખાડિયા ચોકથી નવરંગ સોસાયટી, દાદાની વાવ, નિરંજનભાઇ ધોળકિયા માર્ગ થઇ પેટ્રોલથી વડલાવાળા ખોડિયાર મંદિર, સિંધી કેમ્પ થઇ ભુતા હૉસ્પિટલ, સુભાષ ચોક, ભોગીભાઇ લાલાણી માર્ગ થઇ મોટા ચોકથી નીજ મંદિરે પહોંચશે.
સિહોર મોટી શાકમાર્કેટ પાસે આવેલ ઠાકરદ્વારા મંદિરેથી આ યાત્રા પ્રસ્થાન થઈને શહેરમાં 5થી વધુ કિલોમીટરના રૂટ ઉપર ફરશે અને ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તેમજ બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા નીકળશે.આ રથયાત્રામાં ભગવાનના રથ સાથે સાથે ભજન મંડળીઓ,રાસ-રમઝટ,અલગ અલગ ફ્લોટ્સ સાથે નીકળશે. મહાઆરતી ઠાકરદ્વારા મંદિરના પૂજારી રામબાલકદાસજી દ્વારા કરવામાં આવશે. બાદમાં સામાજિક, રાજકીય તેમજ ભક્તજનોના વિશાળ સમુદાય સાથે પહિંદવિધિ કરવામા આવશે. વહીવટી તંત્ર દ્વારા પણ રથયાત્રા અનુસંધાને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે..