Talaja
ત્રાપજ ગામે બે માસૂમ ભાઈના વીજ કરંટ લાગતા કરૂણ મૃત્યુ
પવાર
ખેતમજૂર પરિવારમાં ભારે ગમગીની સાથે અરેરાટી, ગ્રામ પંચાયતની મોટરનો વાયર તાર ફેન્સિંગ સાથે અડકી જતાં બન્ને માસૂમ બાળકો કાળનો કોળિયો બન્યા
તળાજા તાલુકાના ત્રાપજ ગામે વાડીમાં ખેતમજૂરી કરી રહેલા ગરીબ પરિવારના બે માસૂમ બાળકો રમી રહ્યા હતા. ત્યારે ઈલેક્ટ્રીક વાયરને અડકી જતાં બન્ને માસૂમ ભાઈના શોક લાગવાથી કરૂણ મોત થયા હતા. ઘટનાને લઈ ખેતમજૂર પરિવાર અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. કરૂણ ઘટના અંગે મળતી માહિતી અનુસાર તળાજાના ત્રાપજ ગામે આવેલ ભાવસંગભાઈની વાડીએ આજે બુધવારે નાનજીભાઈ સોલંકી અને તેમનો પરિવાર ખેતમજૂરી કામે ગયા હતા. આ સમયે નાનજીભાઈના બે માસૂમ પુત્રો કાળુ (ઉ.વ.૮) અને સંતોષ (ઉ.વ.૭) રમી રહ્યા હતા.
ત્યારે ગ્રામ પંચાયતની ઈલેક્ટ્રીક મોટર જે ગામમાં પાણી સપ્લાય કરતી હતી. તે મોટરમાંથી ઈલેક્ટ્રીક કરંટ પસાર થઈ તાર ફેન્સિંગમાંથી વીજ પ્રવાહ નીકળતા બન્ને બાળક તાર ફેન્સિંગને અડધી ગયા હતા. જેથી બન્ને ભાઈને કરંટ લાગતા મૃત્યુ થયા હતા.જેઓને તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ત્રાપજ ગામના સરપંચ, અગ્રણીઓ, ગ્રામજનો અને મૃતક બાળકોના પરિવારજનો દોડી આવ્યા હતા. આ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ જે વાડીએ બનાવ બન્યો છે, ત્યાં નજીક જ ગામનો જલમ કૂવો હોય, ત્યાંથી પંચાયત દ્વારા ઈલેક્ટ્રીક મોટર મૂકી પાણી સપ્લાય કરવામાં આવે છે. તેનો વાયર વાડીના તાર ફેન્સિંગને અડકી ને હોય વાયર ક્રેક થવાના કારણે કરૂણાંતિકા સર્જાઈ હોવાની શક્યતા દર્શાવાઈ છે.