Sihor
સિહોરના ડુંગરોની ગોદમાં દિપડાના પરોણા : ધોળા દિવસે લટાર ; ગૌતમેશ્વર રોડે હવાડામાં પાણી પીધું
દેવરાજ
- બે દિવસ પહેલા સિહોરી માતાના ડુંગરા પાસે દીપડાએ ધોળે દહાડે દેખા દેતા નગરજનોમાં ફફડાટ હતો ત્યાં આજે ફરી આજે ગૌતમેશ્વર રોડે હવાડામાં પાણી પીધું, એક ગાયને પણ ફાડી ખાધી, દિપડાને પકડવા પ્રબળ માંગ
સિહોરના ડુંગરોમાં છેલ્લા થોડા દિવસોથી દિપડાના પગ પેસારાથી હવે ચિંતામાં ઓર વધારો થયો છે.છેલ્લા થોડા દિવસોથી ડુંગરોની મહેમાનગતી માણતો દીપડો હવે શહેરી વિસ્તારની નજીક દેખાવવા લાગ્યો છે અને જાણે સિહોર પંથકને દિપડાએ કર્મભૂમિ બનાવી લીધી હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી દેખાવા લાગતા માલધારીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે.
ત્યારે રાની પશુઓના આંટાફેરા વધી રહયાં હોવાની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી ત્યાં આજે ધોળા દિવસે ગૌતમેશ્વર રોડ પર આવેલ હવાડામાં પાણી પીઈને લટાર મારી હતી અને એક ગાયનું પણ મારણ કર્યું હતું જેને લઈ ફફડાટ વ્યાપ્યો છે.
બે દિવસ પહેલા સિહોરી માતાના ડુંગર પાસે દિન દહાડે દીપડાએ દેખા દેતા નગરજનોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો આ દીપડો શહેરમાં ઘુસી જઇ, કોઇ જાનહાનિ કરે તે પહેલાં તેને પકડી પાડવા માંગ ઊઠવા પામી છે. સિહોરી માતાના ડુંગર પાસે જ દીપડાએ દેખા દેતા નગરજનોમાં આ બાબતે ભારે ફફડાટ વ્યાપ્યો છે. જૂના સિહોરમાં ઘણા પશુપાલકો રહે છે અને ત્યાં ડુંગરાળ વિસ્તાર પણ મોટો છે.
આથી આ દીપડો કોઇ પશુને જાનહાનિ કરે તે પહેલાં આ દીપડાને પકડવાની માંગ ઊઠવા પામી છે. થોડા દિવસો પહેલાં ગૌતમેશ્વર મંદિર પાસેના વિસ્તારમાં પણ દીપડાએ દેખા દીધા હતા અને ત્યાં એક ગાયનું મારણ કર્યાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આમ સિહોરના પાદરમાં આવી પહોંચેલા દીપડાએ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે અને દીપડો કોઇ પર હુમલો કરી પણ શકે છે. સિહોરના જંગલમાં આવી ગયેલા આ દીપડાને પકડવા માટે પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. માણસ કે માલધારીઓને આ દિપડાથી કોઈ મોટું નુકસાન ન થાય એનાથી લોકો ચિંતિત બન્યા છે. વનતંત્ર વહેલી તકે દિપડાને ઝડપી પાડે તેવી માંગ ઉગ્ર બની છે