Sihor
સિહોર સહિત જિલ્લામાં વિવિધ પ્રકારના ફુલોના ભાવમાં તેજીનો ભારે માહોલ સર્જાયો

દેવરાજ
જિલ્લામાં ચૂંટણી અને લગ્નસરાની મૌસમ પુર બહારમાં ; ફુલોની કિંમતોમાં હાલ 50 થી 100 ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છેે
સિહોર સહિત જિલ્લામાં વિધાનસભા ચૂંટણી અને લગ્નસરાની મૌસમ પુર બહારમાં જામતા ફુલોની માંગમાં વધારો થયેલ છે. પરિણામે વિવિધ પ્રકારના ફુલોના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ફુલની કિંમતોમાં હાલ ૫૦ થી ૧૦૦ ટકાનો વધારો થયેલ છે. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, સિહોર સાથે જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે. તેની સાથોસાથ લગ્નસરાની મૌસમ પણ પુર બહારમાં ખીલી છે ચૂંટણી સંદર્ભે યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ફુલોની મોટાપાયે માંગ રહે છે તો બીજી તરફ લગ્ન પ્રસંગોમાં ડેકોરેશન અને હારતોરા માટે ફુલોની પુષ્કળ માંગ રહે છે
હાલ બન્ને સિઝન એકસાથે ચાલતી હોવાથી ફુલોની આવક સામે માંગમાં જબરદસ્ત વધારો થતા વિવિધ પ્રકારના ફુલોની કિંમતમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પીળા-કેસરી ગલગોટા અને ગુલાબની પાંદડી તથા ગુલાબ, સફેદ સેવંતીના ભાવમાં એંસીથી સો ટકા જેટલો ભાવવધારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિહોરમાં મંદિરો અને ધર્મપ્રેમી ભકતોના રોજીંદા પુજાપાઠ માટે પણ ફુલોની રોજીંદી માંગ રહેતી હોય છે હાલ ફુલના આ રોજીંદા વપરાશકારોને ફુલોનો ભાવ વધારો સહન કરવો પડી રહ્યો છે. જાણકારોના કહેવા મુજબ ચૂંટણી પુરી થયા બાદ ફુલોની માંગમાં ઘટાડો થશે ત્યારે ભાવ પણ ઘટવાની સંભાવના છે.