Bhavnagar
ભાવનગરમાં ST વિભાગના નિયામક 50 હજારની લાંચ લેતા ઝડપાયા
ભાવનગરમાં ઘણા સરકારી અધિકારી કર્મચારીઓ કોઈને કોઈ કામ માટે ખોટા રૂપિયાની લાલચ રાખતા હોય છે. જોકે હજુ ઘણા પકડાયા નથી પરંતુ જે લોકો પકડાઈ ગયા છે તેમની સામે એક વખત જુઓ તો ખબર પડે છે કે લાજ કાઢવી છે પણ કાઢી શકાતી નથી તેવી હાલત થાય છે. આવી જ એક હાલત એસટી વિભાગના વિભાગીય નિયામક એટલે કે ક્લાસ વન ઓફિસરની થઈ છે. આટલા સારા પદ પર બેસી નોકરી કરનાર આ શખ્સને પગાર ઉપરની મલાઈમા રસ હતો જેના કારણે હવે સળીયા ગણવાનો વારો આવે તો નવાઈ નહીં તેવી સ્થિતિ છે. બન્યું એવું છે કે. ભાવનગરમાં ડીવીઝનલ કંટ્રોલર (વિભાગીય નિયામક) ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરતો અશોક કેશવ પરમાર નામનો શખ્સ નોકરીના આટલા સમય દરમિયાન મળતા પગાર અને હોદ્દાથી અસંતુષ્ટ હતો.
લાંચ લેવાની લાલચને કારણે તે આમ પણ અહીં વિભાગમાં ચર્ચાનું કેન્દ્ર હતો. જોકે હવે સ્થિતિ એવી બની કે એક લક્ઝરી બસ ભાવનગરથી મહુવા રુટ પર પેસેન્જરમાં ચાલે છે. તેમજ પાલીતાણાના રુટ પર પણ અન્ય પ્રાઈવેટ મીની ટ્રાવેલ્સ બસ ચાલતી હોય છે. જે વાહનોના સંચાલકોને ખાનગી બસ આ રુટ પર ચલાવવી હોય અને એસટી વિભાગ તરફથી કોઈ પરેશાની થાય નહીં તે માટે આ ખાનગી ટ્રાવેલ્સ વાળાઓ પાસેથી દર મહિને 50 હજારનું ભરણ નક્કી કરવા માગતો હતો. જોકે સંચાલક તે ભરણ નહીં આપવાનું મન બનાવી લીધું હતું. કારણ કે આ અધિકારી સંતોષાય તો તેમને ધંધામાં ભારે ભોગવવાનું આવે. તેમણે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો. એસીબી એ આ મામલે તુરંત કાર્યવાહી હાથ ધરી. દરમિયાન તેણે લાંચની માગણી ભાવનગર ડીવીઝનલ કંટ્રોલર વિભાગના ઓફિસર બંગલામાં રૂપિયા આપી જવા કહ્યું હતું. જેને કારણે એસીબીએ છટકું ગોઠવી દીધું હતું. જોકે લાલચના પાટા આંખે એવા બંધાયા હતા કે તેને એસીબીની ચાલ અંગે ખબર જ પડી નહીં. આખરે રંગે હાથ રૂપિયા 50 હજાર લેતા ઝડપાઈ ગયો અને નોકરી જોખમમાં આવી ગઈ. હવે એસીબીએ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.