Sihor
સિહોરના સણોસરા ગામે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ના આવે તો ચુંટણી બહિષ્કારની ચીમકી.
સણોસરા ગામમાં વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યા હજુ પણ હલ નથી થઇ : ચુંટણી સમયે ગ્રામજનોએ મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું : ૨૦૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામમાં ૧૦ થી ૧૨ દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે : વિદ્યાર્થીઓ-મહિલાઓને આ બાબતે ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે : ૧૦ દિવસની આ મામલે આપી મહોલત : જો પાણી નહિ તો વોટ નહિ અને મતદાન અને નેતાઓના બહિષ્કાર થકી કરશે વિરોધ.
સિહોર તાલુકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું ગામ એટલે સણોસરા, સણોસરા કે જ્યાં લોકભારતી સણોસરા જેવી યુનિવર્સીટી નો દરજ્જો પામેલી શૈક્ષણિક સંસ્થા કાર્યરત છે ઉપરાંત અનેક શૈક્ષણિક સંકુલો પણ કાર્યરત છે જ્યાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે ૨૦૦૦૦ કરતા વધુ વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીની ભારે સમસ્યા છે. અહી પીવાના પાણીનો કોઈ ખાસ સ્તોત્ર નથી અને ગામ નજીકના તળાવો સરકારે સૌની યોજના કે અન્ય કોઈ યોજના દ્વારા ભર્યા નથી અને આ વર્ષે આ વિસ્તારમાં વરસાદ પણ ઓછો હોય ત્યારે લાંબા સમયથી આ વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યા હલ ના થતા જયારે હવે ચુંટણી આવી રહી છે ત્યારે ગ્રામજનો દ્વારા ૧૦ દિવસમાં તેમની સમસ્યા નો કોઈ નક્કર ઉકેલ ના આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
પીવાના પાણીની સમસ્યા થી અંદાજીત ૪૫ વર્ષા કરતા વધુ સમયથી ઝઝુમતા સિહોર તાલુકાના સણોસરા ગામના લોકો હવે આ પ્રશ્ને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને જયારે હવે ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે ગતા વર્ષોમાં આ મામલે કરેલી પીવાના પાણી અંગેની અનેક રજુઆતો અને તેના નક્કર ઉકેલ અંગે નેતાઓએ કે તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈ નક્કર કામગીરી ના કરતા આ ગામના લોકોએ આગામી વિધાનસભા ચુંટણી પૂર્વે મતદાન બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.આ ગામમાં આવેલા શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસ કરતા ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ૨૦૦૦૦ કરતા વધુ વસ્તી ધરાવતા આ ગામમાં ૧૦ થી ૧૨ દિવસે પાણી વિતરણ થાય છે. જેથી આ ગામના લોકોને પીવાના પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી ચુંટણી પૂર્વે આ સણોસરા ગામના લોકો દ્વારા તેમના ગામની પીવાના પાણીની સમસ્યા નો ઉકેલ લાવવા ૧૦ દિવસની મહોલાત તંત્રને આપી છે. વાસ્મો યોજના હેઠળ પીવાના પાણીની ઓવર હેડ ના અન્ડર ગ્રાઉન્ડ ટેંક તો બની રહી છે પરંતુ પાણી ક્યાં એ સૌથી મોટો સવાલ છે ત્યારે ગ્રામજનો દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો તેમની વર્ષો જુમી સમસ્યાનું કોઈ નિરાકરણ ૧૦ દિવસમાં નહિ આવે તો અહી કોઈ નેતાઓએ મત માંગવા આવવું નહિ તેવા બેનરો સાથે તમામ રાજકીય પક્ષોનો બહિષ્કાર કરશે અને મતદાન નો પણ બહિષ્કાર કરશે. જે મામલે ભારે સુત્રોચ્ચાર કરી તંત્રને જાગૃત કરવા પ્રયાસ પણ કર્યો છે.