Bhavnagar
હિમાચલમાં ‘રિવાજ’ યથાવત : ભાજપે સત્તા ગુમાવી : કોંગ્રેસ 39 બેઠકો સાથે આગળ
કુવાડિયા
ગુજરાતના ભવ્ય વિજયમાં હિમાચલ પ્રદેશનો પરાજય ભાજપ માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો : ભાજપની જયરામ ઠાકુર સરકારનો જબરો પરાજય : સાત મંત્રીઓ હાર્યા : 24 બેઠકો જીતે તેવા સંકેત : રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાના ‘રિવાજ’ને યથાવત રાખતા મતદારો
ગુજરાતમાં ભાજપના ભવ્ય વિજયની સાથોસાથ હિમાચલ પ્રદેશમાં આ પક્ષને જબરો આંચકો લાગ્યો છે અને હિમાચલના મતદારોએ રિવાજ બદલવાના ભાજપના આહવાનને ફગાવી દેતા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પાંચ વર્ષ બાદ રાજ્યનું શાસન સોંપવા માટે તૈયારી કરી છે. ગુજરાતની સાથે જ યોજાયેલી મતગણતરીમાં આજે હિમાચલ પ્રદેશની 68 બેઠકોમાંથી કોંગ્રેસ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે કોંગ્રેસ પક્ષ 39 બેઠકો પર સરસાઈ ધરાવે છે અને ભાજપ 24 બેઠકો પર આગળ છે. 2017માં રાજ્યમાં ભાજપને 44 અને કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. પરંતુ હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલવા લોકો મતદાન કરે છે તે ફરી એક વખત હિમાચલમાં યથાવત રહી છે. અને કોંગ્રેસ પક્ષ રાજ્યમાં પાંચ વર્ષના અંતરાલ બાદ સત્તા હાંસલ કરશે. રાજ્યમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી.
જ્યારે ભાજપ અને કોંગ્રેસના બળવાખોરો સહિત 3 અપક્ષો જીત્યા છે અને હવે કોંગ્રેસ પક્ષે તેના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને ‘સલામત’ કરવા તૈયારી કરી છે. તથા પ્રદેશ નિરીક્ષક ભુપેદ્રસિંહ હુડ્ડા અને પ્રભારી રાજીવ શુક્લા સીમલા પહોંચી ગયા છે અને તેઓ ભાજપ કોઇ ભાંગફોડ ન કરે તે જોવા માગે છે. હિમાચલ પ્રદેશમાં જયરામ ઠાકુરની કેબીનેટમાં સાત મંત્રીઓ પરાજય ભણી છે અને તેના કારણે હવે આગામી દિવસોમાં આ રાજ્યમાં ભાજપ મોટુ ઓપરેશન હાથ ધરે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર શહેરાજ બેઠક પરથી આગળ ચાલે છે અને તેમની જીત નિશ્ર્ચિત જણાય છે.
કોંગ્રેસના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને ઉતરાખંડ ખસેડાશે
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ ભવ્ય વિજય ભણી આગળ વધી રહી છે તે સમયે કોઇ ભાંગફોડ ન સર્જાય તે માટે પક્ષના નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યોને ઉતરાખંડમાં ખસેડવાની તૈયારી છે અને આજે સાંજે એક વખત પરિણામની સતાવાર જાહેરાત સાથે જ આ ધારાસભ્યોને ઉતરાખંડના રિસોર્ટમાં મોકલવાની વ્યવસ્થા થઇ છે. જે રીતે હિમાચલમાં કોંગ્રેસે મોટી સરસાઈ મેળવી છે તેથી ભાજપને હવે ઓપરેશન કમળ કરવાની તક મળશે કે કેમ તે પણ પ્રશ્ન છે.
જે.પી. નડ્ડાના હોમ સ્ટેટમાં જ ભાજપનો પરાજય : જબરા પડઘા પડશે
હિમાચલ પ્રદેશમાં ભાજપને સતા ટકાવવામાં સફળતા મળી નથી તેમાં હવે રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા માટે મુશ્કેલ દિવસો આવી રહ્યા છે તેવા સંકેત છે. હિમાચલ પ્રદેશ જે.પી. નડ્ડાનું હોમ સ્ટેટ છે અને તેઓએ અહીં પ્રચારનું સુકાન સંભાળ્યું હતું. તેમના મત વિસ્તાર બિલાસપુર જિલ્લામાં પણ ભાજપનો જબરો ધબડકો થયો છે અને તેથી હવે જે.પી. નડ્ડા માટે હવે રાષ્ટ્રીય પ્રમુખ પદ ટકાવવું મુશ્કેલ થઇ પડશે. હિમાચલ પ્રદેશમાં ભાજપ ફરી સતા મેળવી રેકોર્ડ બનાવવા માગતું હતું તેમાં સફળતા મળી નથી.