Sihor
સિહોરના વડલા ચોકમાં ગોઝારો અકસ્માત ; કાળમુખા ટ્રકે એક્ટિવા ચાલક યુવતીને અડફેટે લીધી ; કમકમાટીભર્યું મોત

પવાર
- બપોર વેળાએ ટ્રકે એક્ટિવ હડફેટ લીધું, અકસ્માત એક યુવતીનું સ્થળ પર મોત નીપજ્યું, પરિવારમાં હૈયાફાટ રુદન, હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા
સિહોર શહેરના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી હાઇવેના વાહનો બેફામ દોડી રહ્યા છે. તંત્રની રોકટોક વગર માટેલા સાંઢની માફક મોટા વાહનો પસાર થાય છે ત્યારે આજે મુખ્ય માર્ગ ઉપર ત્રણ ત્રણ મોટી શાળાઓ આવેલ છે. ત્યારે આજે સિહોરના વડલા ચોક પાસે આવેલ ખાડીગ્રામ પાસે કાળમુખા ટ્રકે એક્ટિવા ચાલક યુવતી ભૂમિબેન પાર્થભાઈ સોલંકી ઉ.વ.૨૨ જાતે રજપૂતનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
મળતી વિગતો મુજબ આજે બપોરના સમયે નણંદ ભોજાઈ પોતાના એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી આવેલ બેફામ ટ્રક ચાલકે હડફેટે લઈ લેતા યુવતી ટ્રકના પાછળના જોટામાં ભરાઈ જતા ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવને લઈને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. મૃતક મહિલા સિહોરના દવેશેરી વિસ્તારમાં રહે છે અને લગ્નને દોઢ વર્ષના સમયગાળા માં એક સંતાન છે. ત્યારે આ ઘટનાને લઈને ભારે અરેરાટી છવાઈ ગઈ હતી. ત્યારે હવે સિહોરના તંત્ર અને રાજકીય આગેવાનો એ કોઈ નવો ભોગ બને તે પહેલાં ભારેખમ વાહનો માટે કડક નિયમો તેમજ સિહોર બાયપાસ શરૂ કરવો તાકીદે જરૂરી છે.
વડલા ચોકમાં એક પણ સ્પિડ બ્રેકર ન હોય વાહનો બેફામ
સિહોર શહેરના સતત ધમધમતા વડલા ચોકમાં બેફામ દોડતા વાહનોના કારણે છાશવારે નાના મોટા અકસ્માત સર્જાવાની ઘટના કાયમી બની છે. ત્યારે આ વિસ્તારમાં હાઇ-વે પર સ્પિડ બ્રેકર મુકવાની તાતી જરૃરીયાત છે. અહીં બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આવા અકસ્માતો પર કાબુ લાવવા આ ગતિ અવરોધકો આવશ્યક છે.
સિહોરના હાઇવેના રસ્તાઓ બન્યા સાંકડા
સિહોરના જાહેર રસ્તાઓ પર સરકારી જમીનો પર વ્યાપક દબાણ થયુ હોય રસ્તા સાંકડા બની રહ્યા છે. જેના કારણે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેથી તંત્ર દ્વારા આવા દબાણો દુર કરવા તજવીજ હાથ ધરવી જરૂરી બની છે. સિહોર શહેરમાં સિહોર નગરપાલિકાની માલિકીની જમીનો ઉપર ગેરકાયદેસર કરોડો રૂપિયાની જમીનો ઉપર દબાણ કરી નાખવામાં આવ્યા છે તેમજ ભાવનગર રાજકોટ હાઇવે ઉપર તથા દાદાની વાવથી ઉભા હાઇવે પર બેફામ રોડની બન્ને સાઇડો પર દબાણો કરી નાખવામાં આવતા રોડની પોળાય પણ ઘટી જવા પામી છે. જેના કારણે દિનપ્રતિદિન ટ્રાફીક સમસ્યા પણ વધતી જાય છે. જેના કારણે અવારનવાર નાના મોટા એકસીડન્ટ પણ થાય છે અને લોકો આવા એક્સીડન્ટનો ભોગ પણ બને છે.