Gujarat
કોરોના ગુજરાતમાં સ્થિતિ ન બગાડે તે માટે સરકાર એક્શનમાં : આરોગ્ય મંત્રીએ બોલાવી હાઈલેવલ મિટિંગ
કુવાડિયા
વિશ્વમાં કોરોના કેસો-મૃત્યુ વધી રહ્યા હોય સરકારમાં પણ ચિંતા: વિદેશથી આવતાં દરેક પ્રવાસીનું ટેસ્ટીંગ-ટ્રેસિંગ કરાશે : સરકારી હોસ્પિટલોમાં બેડ, ઑક્સિજન, દવા સહિતની સ્થિતિની કરાયેલી સમીક્ષા – ડબલ ઋતુ હોવાને કારણે તાવ-શરદી – ઉધરસનાં કેસો વધતાં નવી ચિંતા: આરોગ્ય કેન્દ્રો ફરી ધમધમતા કરવા આદેશ : આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ
થોડો સમય ‘પોરો’ ખાધાં બાદ કોરોનાએ ફરી ‘ઉપાડો’ લીધો હોય તેવી રીતે કેસ અને મૃત્યુ બન્નેમાં ચિંતાજનક વધારો થવા પામ્યો છે. રાહતની વાત એ છે કે હજુ સુધી કોરોનાનો ફૂંફાડો ભારત સુધી પહોંચ્યો નથી પરંતુ વિશ્વના અન્ય દેશો અમેરિકા, જાપાન, કોરિયા, બ્રાઝીલ અને ખાસ કરીને ચીનમા અત્યારે કોરોનાએ સ્થિતિ અત્યંત બગાડી નાખી છે. ચીનમાં તો અત્યારે હોસ્પિટલોમાં દાખલ થવા માટે દર્દીઓની કતારો લાગી રહી છે તો એટલી જ કતારો સ્મશાન ગૃહની બહાર પણ જોવા મળી રહી છે. બીજી બાજુ વિશ્વમાં કોરોનાના કેસો વધવા લાગતાં ભારત પણ એક્શનમાં આવી ગયું છે.
દરમિયાન આજે ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરની બેઠક મળી હતી જેમાં વિવિધ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને વિદેશથી ગુજરાત આવતાં મુસાફરોનું ટેસ્ટીંગ અને ટ્રેસિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત બેઠકમાં હાજર આરોગ્ય અધિકારીઓને જે-તે જિલ્લા-તાલુકાઓની હોસ્પિટલોમાં બેડ, દવાઓ, વેક્સિન અને ઑક્સિજન સહિતની તમામ તૈયારીઓ ઉપર ધ્યાન આપવા આદેશ આપવામાં આવ્યો હતો. આમ તો અત્યારે ગુજરાતની અંદર કોરોનાના દૈનિક કેસો એક જ આંકડામાં આવી રહ્યા છે છતાં સરકાર કોઈ જ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી એટલા માટે અત્યારથી જ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ મિશ્ર ઋતુને કારણે તાવ-શરદી-ઉધરસનાં કેસો વધી રહ્યા હોવાથી તેનાં અને કોરોનાનાં લક્ષણોને ધ્યાનમાં લઈને જ સારવાર કરવા સરકારી તબીબોને સરકાર તરફથી આદેશ અપાયો છે. બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં અત્યારે કોરોનાલક્ષી દવાઓનો સ્ટોક કેટલો છે તે મુદ્દો પણ ચર્ચામાં અગ્રસ્થાને રહ્યો હતો. બેઠકમાં સામેલ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યારે કોરોનાને લગતી તમામ દવાઓ ઉપલબ્ધ હોવાનું તેમજ કેન્દ્ર સરકાર તરફથી જે પણ આદેશ આવશે તે પ્રમાણે તૈયારીઓ કરવામાં આવશે. અત્યારે સંપૂર્ણ તૈયારીઓ માટે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.
આવી જ રીતે તમામ ઑક્સિજન પ્લાન્ટની તપાસ કરવાનો આદેશ પણ અપાઈ ચૂક્યો છે. અત્યારે રાજ્યમાં માત્ર 33% લોકોએ જ બુસ્ટર ડોઝ લીધો હોવાથી વધુમાં વધુ વેક્સિનેશન થાય તેના ઉપર ભાર આપવા અધિકારીઓને કહેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાને લઈને બગડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યોના આરોગ્ય સચિવને એક પત્ર લખ્યો છે જેમાં વિશ્વના દેશોમાં કોરોનાના કેસ વધ્યા છે તે અંગે ધ્યાન રાખવા જણાવાયું છે. રાજ્યોમાં પોઝિટીવ આવતાં કેસોમાં જિનોમ સિક્વન્સીંગ પર ભાર મુકવા આદેશ અપાયો છે.