Sihor
સિહોર સહિત રાજ્યભરમાં આજથી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ‘પરમીટ’ ઉપાડવાનું બંધ : ભારે દેકારો
પવાર
કાલે-રવિવારે રજા : સરકાર સોમવારે સમાધાન કરે તો પણ ગરીબ વર્ગ સુધી ઘઉં – ચોખા – ચણા – ખાંડ – મીઠુ – તેલ પહોંચવું ભારે મુશ્કેલ : સરકારે તહેવાર આવી ગયા છતાં પ્રશ્ન ન ઉકેલ્યો : સિહોર તાલુકાના ૬૮ સહિત ૧૭ હજાર દુકાનદારો લડી લેવાના મૂડમાં
સિહોર સહિત રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારો અને સરકાર વચ્ચે આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં ૨૦ હજાર કમીશન તથા દર મહિને આવતા જથ્થામાં ૪ થી ૫ કિલોની ઘટ અંગે કોઇ સમાધાન નહી થતાં સિહોર શહેર – તાલુકાના ૬૮ તો રાજ્યના ૧૭ હજાર સસ્તા અનાજના દુકાનદારો લડી લેવાના મૂડમાં આવી ગયા છે.દુકાનદાર એસો.ના હોદ્દેદાર અગ્રણીઓના જણાવ્યા મુજબ એક વખત મંત્રણા પડી ભાંગી છે, બીજી વખત સરકારે અમને હજુ સુધી બોલાવ્યા નથી અને આજથી અમે સપ્ટેમ્બર મહિનાના જથ્થા અંગે પરમીટ ઉપાડવાનું સદંતર ઠપ્પ કરી દિધું છે. એક પણ વેપારીએ પરમીટ મેળવી નથી, ઓનલાઇન નાણા ભર્યા નથી, એટલું જ નહી પુરવઠા તંત્રે પરમીટ મૂકી પણ નથી, અને જો મૂકશે તો અમે ઉપાડવાના નથી, પૂરવઠા નિગમના ગોડાઉનો શાંત પડયા છે, દુકાનદારોની કોઇ ચહલપહલ જોવા મળી નથી. સસ્તા અનાજના દુકાનદારોએ આજથી પરમીટ ઉપાડવાનું બંધ કરતા ભારે દેકારો બોલી ગયો છે. જાણકાર વર્તુળોએ ઉમેર્યુ હતું કે, કાલે રવિવારે રજા છે, સોમવારે સમાધાન થાય તો પણ હવે ઘણુ મોડુ થઇ ગયું છે. સિહોર સહિત રાજ્યના લાખો બીપીએલ – અત્યોંદય કાર્ડ હોલ્ડરોને સાતમ – આઠમના તહેવાર પહેલા ઘઉં, ચોખા, ચણા, ખાંડ, વધારાની ખાંડ, મીઠુ, કપાસીયા તેલ પહોંચવું ભારે મુશ્કેલરૂપ અને અઘરૂ બની જશે. સરકારે તહેવાર આવી ગયા છતાં દુકાનદારોનો પ્રશ્ન ઉકેલ્યો નથી… સોમવારે સમાધાન થાય તો પણ દુકાનદારો ક્યારે નાણા ભરે – પરમીટ મેળવે… ડોર સ્ટેપ ડિલીવરીથી ક્યારે દુકાનો ઉપર માલ મેળવે અને ક્યારે કાર્ડ હોલ્ડરોને વિતરણ કરે તે પ્રશ્ન થઇ પડયો છે. ગરીબ વર્ગ નિસાસા નાંખી રહ્યો છે.