Sihor
રોજિંદા ખોરાકમાંથી કઠોળની બાદબાકી, ફાસ્ટફૂડના વધતા ચલણ વચ્ચે માત્ર ડાયટિંગ પૂરતો સીમિત ઉપયોગ
દેવરાજ
- આજે વિશ્વ કઠોળ દિવસ: મૂળ સ્વરૂપના બદલે પ્રોસેસ્ડ કર્યા બાદ વધારે કરાતો ઉપયોગ : બુધવારે મગ, ગુરૂવારે ચણાની દાળ, શનિવારે અડદની દાળ ખોરાકમાં લેવાની જૂનવાણી પરંપરા વિસરાઈ
પહેલાના જમાનામાં કઠોળ રોજિંદા ખોરાકનો ભાગ હતા. અઠવાડિયાના દરેક દિવસે ઘરે ખાસ પ્રકારના કઠોળ બનાવવાની પરંપરા હતી. જેમ કે બુધવારે મગ, ગુરરૂવારે ચણાની દાળ, શનિવારે અડદની દાળ ઘરોમાં ચોક્કસ બનતી હતી. ઉપરાંત લોકો સવારે નાસ્તામાં ફણગાવેલા કઠોળનું સેવન કરતા હતા. ફાસ્ટફૂડના જમાનામાં આજે પરંપરાગત રીતે ખવાતા કઠોળ ડાયટિંગ કરતા લોકોનો ખોરાક બનીને રહી ગયા છે. વર્તમાન સમયમાં રાજ્ય તેમજ વિવિધ દેશોના જુદા જુદા પ્રકારના ખોરાક સરળતાથી ઉપલબૃધ હોવાથી લોકોના દૈનિક ભોજનમાં કઠોળનું સ્થાન અન્ય વસ્તુઓએ લઈ લીધુ છે.
જેથી કઠોળની અગત્યતા જાળવી રાખવા ૧૦ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે.એક સર્વે મુજબ દરેક વ્યક્તિને દિવસમાં જેટલા ગ્રામ કઠોળ ખાવા જોઈએ તેનાથી ૫૦ ટકા જ કઠોળનું સેવન કરવામાં આવે છે. તેમાં દેશમાં થતા કઠોળના કુલ વપરાશમાંથી ૪૦ ટકા ઉપયોગ તેના મૂળ સ્વરૂપમાં થાય છે, જ્યારે ૬૦ ટકા વપરાશ તેને પ્રોસેસ્ડ કર્યા બાદ કરવામાં આવે છે. તેવી જ રીતે રાજ્યમાં પણ કઠોળ તેના મૂળ સ્વરૂપ કરતાં પ્રોસેસ્ડ રૂપમાં વધારે ઉપયોગમાં લેવાય છે. રાજ્યમાં પ્રખ્યાત ઢોકળા, હાંડવો, ખાંડવી, ફાફડા વગેરે વાનગીઓ તેમજ ફરસાણમાં ચણાનો લોટ વપરાય છે. જે મૂળ ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. આ સિવાય રાજ્યમાં તુવેરની દાળ, અડદની દાળ, મગ, મઠ વગેરે જેવા કઠોળનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે.