Sihor
48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સિહોર પાલિકાના કામદારો પગારથી વંચિત – ચીફઓફિસરે એક દિવસનો સમય માંગ્યો
પવાર
ત્રણ માસથી પગારથી વંચિત રહેતા ભારે નારાજગી – આજે ફરી બેઠક મળી – બેઠકમાં કામદારો સાથે માવજી સરવૈયા અને ચીફઓફિસર પણ ઉપસ્થિત રહ્યા, ચીફઓફિસરે કહ્યું એકાદ દિવસમાં પગાર થઈ જશે
સિહોર નગરપાલિકાના સફાઇ કામદારોને છેલ્લાં ત્રણેક માસથી તેઓના પગારથી વંચિત રખાયા છે. આખરે બે દિવસ પહેલા આ કામદારો નાયબ કલેકટરને પગાર બાબતે રજૂઆત કરવા દોડી ગયા હતા. સિહોર નગરપાલિકાના રેગ્યુલર કર્મચારીઓને છેલ્લાં બે માસથી અને કોન્ટ્રાકટર બેઇઝ પર રહેલા કર્મચારીઓને છેલ્લાં ત્રણ માસથી પગાર ચુકવાયો નથી.સિહોર નગરપાલિકા પાસે અત્યારે કોન્ટ્રાકટવાળા 250થી 300 સફાઇ કામદારો છે.
તેઓને દર મહિને અંદાજે 12 લાખ રૂપિયા પગાર ચુકવાઇ છે. તેઓને 3 માસ લેખે 36 લાખ રૂપિયા ચુકવવાના બાકી છે. જ્યારે રેગ્યુલર સફાઇ કામદારો અંદાજે 200થી 225 જેટલા છે. તેઓને દર મહિને અંદાજે 40 લાખ રૂપિયા ચુકવવામાં આવે છે. સિહોર નગરપાલિકા દ્વારા તેમના સફાઇ કર્મચારીઓને દર મહિને અંદાજે 52 લાખ જેટલો પગાર ચુકવવામાં આવે છે. હાલમાં કોન્ટ્રાકટવાળાના ત્રણ મહિનાના 12 લાખ લેખે 36 લાખ અને અને રેગ્યુલર સફાઇ કામદારોના બે માસના 40 લાખ લેખે 80 લાખ રૂપિયા પગાર ચુકવવાનો બાકી છે.
બે દિવસ પહેલાની રજુઆત બાદ 48 કલાકમાં પગાર નહિ મળે તો આંદોલન તેમજ પાલિકા ને તાળાબંધી કરવા સહિતનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જે અનુસંધાને સિહોર પાલિકાના તમામ વિભાગ ના જવાબદાર સુપર વાઈઝરની મીટીંગ મળી હતી જેમાં માવજીભાઈ સરવૈયા તેમજ ચીફ ઓફિસર મારકણા પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે ચિફઓફિસર મારકણાએ પગાર બાબતને લઈ એકાદ દિવસનો સમય માગ્યો હોવાનું જાણવા મળે છે.