Sihor
સિહોરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલાથી રોગચાળાની દહેશત
પવાર
- ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના કાગળ પર : નિયમિત કચરો ઉઠાવવામાં ન આવતા કચરાના ઢગલા
સિહોરના અનેક વોર્ડ વિસ્તાર સોસાયટીઓમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના કાગળ પર ચાલતી હોય તેમ જણાઇ રહ્યું છે. આ વિસ્તારો અને સોસાયટીઓમાં નિયમિત કચરો ઉઠાવવામાં ન આવતા કચરાના ઢગલા થતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવી રહ્યો છે પરંતુ સફાઈ કામદારો અને તંત્ર વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારો અને સોસાયટીઓમાં સાફ સફાઈ કરવામાં ભારે બેદરકારી રાખવામાં આવતી હોવાની વ્યાપક બૂમ ઉઠવા પામી છે.
આ અંગે લોકોએ અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન આપવામાં ન આવતા નગરજનોમાં પાલિકા તંત્ર સામે ભારે નારાજગી વ્યાપી છે. ડોર ટુ ડોર કચરો ઉપાડવાની યોજના હેઠળ કામગીરી થતી ન હોય કચરો ગંદકીના ઢગલા સર્જાયા છે. જેના કારણે જીવજંતુ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેથી રોગ ચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. ત્યારે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી નું મોનિટરિંગ કરી દરેક વોર્ડ વિસ્તાર અને સોસાયટીઓમાં નિયમિત પણે સફાઈ તેમજ કચરો ઉપાડવા સ્થાનિક રહીશો માંથી લાગણી વ્યાપી છે.