Bhavnagar
૧ અને ૫ ડિસેમ્બરે ગુજરાતમાં મતપર્વ : બે તબક્કે મતદાન : ૮મી ડિસેમ્બરે મતગણતરી : આજથી આચારસંહિતા લાગુ

મિલન કુવાડિયા
સૌરાષ્ટ્ર – કચ્છ – દ.ગુજરાતના ૧૯ જીલ્લાની ૮૯ બેઠકો માટે ૧લી ડીસેમ્બરે અને ઉતર – મ.ગુજરાતના ૧૪ જીલ્લાની ૯૩ બેઠકો માટે ૫ ડીસેમ્બરે મતદાન યોજાશે : ૧૦મી ડીસેમ્બર સુધીમાં પૂરી થશે ચૂંટણી પ્રક્રિયા : કુલ ૪.૯ કરોડ મતદારો : ૪.૬ લાખ યુવાનો પ્રથમ વખત મતદાન કરશે : મહિલાઓ માટે ૧૨૭૪ મતકેન્દ્ર : ૫૧૭૮૨ પોલીંગ સ્ટેશન : ૯.૮૭ લાખ ૮૦ વર્ષથી ઉપરનાં મતદારો : કુલ ૧૮૨ બેઠકો માટે ચૂંટણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો માટે બે તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે ૫ ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે તમામ ૧૮૨ બેઠકો માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની ૮૯ બેઠકો પર ૧ ડિસેમ્બરે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ૫ ડિસેમ્બરે મતદાન થશે. દિલ્હીમાં ભારતના ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં ૪.૯૧ કરોડ મતદારો છે, જેમાંથી ૪.૬૧ લાખ નવા મતદારો છે. તેમાંથી ૯.૮૭ લાખ મતદારો ૮૦ વર્ષથી વધુ વયના છે. ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકો છે. વિધાનસભાનો કાર્યકાળ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં ૧૫મી વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ વખતે ગુજરાતમાં ૪.૯ કરોડ મતદારો મતદાન કરશે. ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર આ વખતે ૪.૬ લાખ નવા મતદારો મતદાન કરશે. ૫૧૭૮૨ મતદાન મથક પર મતદાન થશે. ૧૪૨ મોડલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. દિવ્યાંગો માટે ૧૮૨ વિશેષ મતદાન મથકો બનાવવામાં આવશે. મહિલાઓ માટે ૧૨૭૪ મતદાન મથકો હશે.