Sports
ડ્વેન બ્રાવોના 600 વિકેટના રેકોર્ડ પર આ કારણે ચાલે છે વિવાદ
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો એ એક એવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. ડ્વેન બ્રાવોએ ટી20 ક્રિકેટ ફોર્મેટમાં 600 વિકેટ ઝડપી છે. દરેક જણ તેને અભિનંદન આપી રહ્યા છે તો સાથે જ ડ્વેન બ્રાવોએ પણ તેની 600મી વિકેટની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી છે. પરંતુ આ મહાન રેકોર્ડ પર એક સવાલ પણ ઉઠી રહ્યો છે, તે શું છે, જાણો…
ડ્વેન બ્રાવો હાલમાં ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ‘ધ હન્ડ્રેડ’માં ભાગ લઈ રહ્યો છે, જ્યાં એનએસ-ચાર્જર્સ અને ઈન્વિન્સીબલ્સ સ્પર્ધામાં હતા, જેમાં ડ્વેન બ્રાવોએ આ રેકોર્ડ બનાવ્યો છે. N S-Chargers તરફથી રમતા ડ્વેન બ્રાવોએ 20માં બોલ પર રિલે રોસોને આઉટ કર્યો. જે તેની 599મી વિકેટ હતી. ત્યારબાદ ઈનિંગ્સના 89માં બોલ પર તેણે સેમ કુરનને આઉટ કરીને તેની 600મી વિકેટ લીધી. આંકડાઓ અનુસાર ડ્વેન બ્રાવોએ 516મી ઈનિંગ્સમાં આ કારનામું કર્યું છે. પરંતુ અહીં એક મૂંઝવણ ઉભી થઈ છે. જેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
વાસ્તવમાં ડ્વેન બ્રાવોએ બે વિકેટ લઈને તેની 600 વિકેટ પૂરી કરી છે. જે તેણે ધ હન્ડ્રેડ ફોર્મેટમાં કરી છે. એટલે કે આ T20 ક્રિકેટ નહીં, પરંતુ 100 બોલનું ક્રિકેટ છે. આવી સ્થિતિમાં આ રેકોર્ડને ટી-20 ફોર્મેટ સાથે જોડવો કેટલો યોગ્ય છે તે અંગે ચર્ચા ચાલી રહી છે.
ધ હન્ડ્રેડ પણ ટી20 ક્રિકેટની તર્જ પર શરૂ થયેલું ફોર્મેટ છે. પરંતુ તે સંપૂર્ણપણે અલગ છે. આવી સ્થિતિમાં જો ટી-20 ક્રિકેટમાં પણ આ ફોર્મેટના રેકોર્ડ જોડવામાં આવે તો એક અલગ જ સમસ્યા ઊભી થશે. આ જ કારણ છે કે ચાહકો પણ ડ્વેન બ્રાવોના આ રેકોર્ડ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ટી20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ
1) ડ્વેન બ્રાવોઃ 600 વિકેટ 2) રાશિદ ખાનઃ 466 વિકેટ 3) સુનીલ નરેનઃ 457 વિકેટ