Vadodara
નવરાત્રીમાં માતાનું અવસાન થયું છતાં ગાયક કલાકારે ગરબા ગાઇ ખેલૈયાને ઝુમાવ્યા
ખોડલધામના વડોદરા એકમ દ્વારા આયોજિત ગરબામાં ગાયક ખોડીદાસભાઈ મારુની કર્મ નિષ્ઠા જોવા મળી
લેઉવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામના વડોદરા એકમ દ્વારા આયોજિત કરાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન એક ગાયક કલાકારની અનોખી ભક્તિ સાથે પોતાના કર્મ પ્રત્યે દ્રઢ નિષ્ઠા જોવા મળી હતી. ખોડીદાસભાઈ મારુ નામના ગાયક પોતાના માતાનું અવસાન થયું હોવા છતાં અંત્યેષ્ટિ ક્રિયા આટોપી ફરી મંચ સંભાળી લીધો હતો.
હાલમાં શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતા ખોડીદાસ ભાઈના માતા ડાયીબેન દાનજીભાઇ મારૂ તેમના વતન ભાવનગરના વરતેજ ખાતે રહે છે. નવરાત્રિના આગલા દિવસે તેઓ ખોડલધામ આયોજિત નવરાત્રિના સ્થળે સાઉન્ડ સિસ્ટમ ચકાસતા હતા ત્યારે, તેમને વતનમાંથી ભાઈનો ફોન આવ્યો કે માતાની તબિયત સારી નથી.
૮૪ વર્ષના ડાયીબેન આયુ સામે જંગ હારતા જતા હતા. એટલે ખોડીદાસ ભાઈ પોતાના ગાયક વૃંદમાં ફાલ્ગુનીબેન ભેસાણિયાને જાણ કરી વરતેજ જવા નીકળી ગયા. ત્યાં પહોંચ્યા બાદ માતાનું ટૂંકી સારવાર બાદ અવસાન થયું અને તેમની અંતિમ વિધિ પૂર્ણ કરી તેઓ ફરી વડોદરા આવી ગયા. કારણ કે, કલાકાર માટે તો શો મસ્ટ ગો ઓન જ હોય છે.
માતૃશોકની પીડાને દબાવી ખોડીદાસ ભાઈએ ત્રીજા નોરતાથી ફરી મંચ સંભાળી લીધું અને નવરાત્રિના બાકીના નોરતામાં કંઠના કામણ પાથરી ખેલૈયા માટે મેદાન જીવંત કરી દીધું. તેઓ આ બાબતને કર્મ પ્રત્યેની નિષ્ઠા કહે છે. તેઓ ૨૭ વર્ષથી ગાયન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ફાલ્ગુની પાઠક જેવા નામી કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ વડોદરાના પ્રમુખશ્રી કુમુદ અકબરી જણાવ્યું કે, આયોજનનો મુખ્ય હેતુ સમાજ ની એકતા અને અખંડિતા જળવાઈ રહે અને આર્થિક રીતે નબળા લોકો ની દીકરી ઓ ને અનેરા આયોજન ને લઇ શકે.અને મોંઘેરા પાસ ખરીદવા માંથી મુક્તિ મળે. ગુજરાત રાજ્ય માં સૌથી વધુ ગરબા મહોત્સવ નું આયોજન જો કોઈ એ કર્યું હોય તો ખોડલધામ ટ્રસ્ટ દ્રારા કરવા માં આવ્યું છે.
છેલ્લા ૨૭ વર્ષ થી ગવડાવતા ગરબા સિંગર કે. ડી. મારુ અને શ્રી ફાલ્ગુનીબેન ભેસાણીયા જણાવ્યું કે વડોદરા ગરબાની આગવી ખાસ જ છે કે આખા મેદાનમાં ખેલૈયાઓ ગ્રાઉન્ડમાં મોટા વર્તુળમાં જ ગરબા રમે છે અન્ય શહેરોની જેમ નાના ગ્રુપ બનાવીને નથી રમતા. આ જ ખાસિયત વડોદરા ને વિશ્વમાં સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખ આપી છે