Sihor
સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજે વરસાદની દે-ધનાધન એન્ટ્રી
સતત ચોથા દિવસે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકશાની થવાની ખેડૂતોમાં ચિંતા
સિહોર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તાલુકા મથકોએ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત ત્રાટકી હોય તેમ એક તરફ વરસાદના કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ચિંતામાં વધારો થયો છે. આજે સમી સાંજના સમયે મેઘરાજાએ સાંજનું મુહૂર્ત સાચવ્યું હતું. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે સતત ૩૦ મિનિટ જેટલા સમય માટે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે રસ્તાઓ પરથી પાણી ફરી વળ્યાં હતા.
અચાનક જ વરસાદ તૂટી પડતા બજારમાં ભાગદોડ મચી હતી. સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના કાજાવદર ટાણા દેવગાણા વરલ, બુઢણા, ટાણા, અગિયાળી સહિતના ગામોમાં ઓછા-વત્તા પ્રમાણમાં મેઘરાજા વરસી ગયા હતા. સિહોર શહેરમાં સાંબેલાધાર બાદ ધીમીધારે મેઘરાજા વરસતા રહેતા બજારમાં ઘરાકી સુષ્ક રહેતા વેપારીઓએ દુકાનોના શટર વહેલા પાડી દીધા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. તલ, મગ, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકશાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.