Bhavnagar
કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી આગામી બે દિવસ ભાવનગર જિલ્લાના પ્રવાસે

કુવાડિયા
સફાઈ કામદારોનું સૌથી મોટું સંમેલન મળશે, જિલ્લાની તમામ નગરપાલિકામ કામ કરતા કામદારોના વિવિધ પ્રશ્ને મળશે સંમેલન, તા ૨૯/૩૦ બે દિવસ મેવાણીના કાર્યક્રમનો તખ્તો તૈયાર, સમગ્ર કાર્યક્રમનું એપિસેન્ટર સિહોર
વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના લડાયક નેતા જીગ્નેશ મેવાણી આગામી બે દિવસ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે જેમાં સફાઈ કામદારોનું એક વિશાળ સંમેલન મળવા જઇ રહ્યું છે. ખાસ કરી સફાઈ કામદારો અનેક પ્રશ્નો પીડાઈ રહ્યા છે, સમયસર પગાર, શોષણ, કોન્ટ્રાક્ટ પ્રથા, સહિતના મુદ્દાઓને લઈ અધિકારમંચ લડી રહ્યું છે, ત્યારે આવતા દિવસોમાં જિલ્લાની તમામ નગરપાલિકાઓનું કામદારોનું સંમેલન થવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સુપ્રીમો અને વડગામના યુવા અને લડાયક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આગામી તારીખ ૨૯ અને ૩૦ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી રહ્યાં છે.
પ્રથમ દિવસે એટલે કે ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ સફાઈ કામદારો ને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય તે અનુસંધાને તમામ (આઠ) નગરપાલિકાઓના સફાઈ કામદારો નું મહાસંમેલન યોજાશે અને બીજા દિવસે ૩૦/૦૫/૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારોના કેડર કેમ્પમાં આખો દિવસ જિગ્નેશ મેવાણી હાજરી આપશે અને ખાસ તો ધારાસભ્ય બન્યાં બાદ જ્યારે પહેલી વખત ભાવનગર જિલ્લામાં આવતા હોય ત્યારે તેમનાં સ્વાગત માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ તડામાર હર્ષોઉલ્લાસ સાથે તૈયારીઓ કરી રહ્યાં છે. મેવાણીના બે દિવસના પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમ યોજાશે અનેક સ્થાનિક નેતાઓને મળશે, સ્થાનિક સમસ્યાઓ અને મુશ્કેલીઓની રૂબરૂ થશે, મેવાણીના બે દિવસના પ્રવાસનું એપિસેન્ટર સિહોર બન્યું છે અને સમગ્ર કાર્યક્રમનો તખ્તો ઘડાઈ રહ્યો છે.