Politics
મોરબી દુર્ઘટનાને લઈ વિપક્ષ આકરા પાણીએ! કોંગ્રેસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું માંગ્યું રાજીનામું
ગતરોજ મોરબીમાં બનેલી દુર્ધટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોને વ્યથિત કર્યા છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટતા 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. ત્યારે મોરબી દુર્ઘટનાને લઈને વિપક્ષ આક્રમક બન્યું છે.
કોંગ્રેસે માંગ્યુ ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજીનામાની માંગ કરી છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ પાસે નિષ્પક્ષ અને સમય બદ્ધ તપાસની પણ માંગ કરી છે.
લોકોને અપીલ છે કે જ્યાં સુધી જવાબ નહિ મળે ત્યાં સુધી મુદ્દો પકડી રાખોઃ પવન ખેરા
તેમણે જણાવ્યું કે, ઘણા પ્રયાસો કરવામાં આવશે આ મુદ્દો શિફ્ટ થઈ જાય, લોકોનું ધ્યાન મોરબી પરથી હટાવીને કોઈ બીજા મુદ્દા પર લઈ જવામાં આવે. અમે બે હાથ જોડીને આપને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા પરથી ધ્યાન હટવા દેતા નહીં. કારણ કે 191 લોકોના તો મૃતદેહ મળી ચૂક્યા છે. આ બધાનો આપણી ઉપર કર્જ છે. જો આપણે આ મુદ્દા પરથી ધ્યાન હટાવી લઈશું, તો સરકારને કોઈ બીક નહીં રહે. આ લોકો દરરોજ સવારથી સાંજ તમાશો કરતા રહેશે.
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું
આપને જણાવી દઈએ કે, મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની આ રૂહકાંપ ઘટનામાં 141થી વધુ લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો છે અને મોરબી પંથક હાલ મરણચીસોથી ગુંજી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંગે જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મોટા નેતાઓ પણ મોરબી ખાતે દોડી ગયા હતા. ત્યારે 141 જેટલી માનવ જિંદગીને મોતના ખપ્પરમાં હોમી દેવાના આ પાપમાં જવાબદાર કોણ તવો અણિયારો સવાલ લોકોમાં ઊભો થયો છે. હાલ લોકો મોરબી પાલિકા અને ઓરેવા ગ્રુપની કામગીરી સામે આંગળી ચીંધી રહ્યા છે.
લોકોનો સરકારથી વિશ્વાસ ઉઠી ગયો છે: પવન ખેરા
તેમણે કહ્યું કે આજે ગુજરાતના નાગરિકો કોઈ પુલ પર કે કોઈ સાર્વજનિક મેટ્રો પર ચઢતા પહેલા 100 વખત વિચારી રહ્યા છે. લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જે સરકાર આવા પુલનું ફિટનેસ અને ઓડિટ નથી કરતી, તે સરકારનું ફિટનેસ અને ઓડિટ હવે જનતા કરશે. જો અમે સવાલ નહીં પૂછીએ તો જે પ્રકારની રાજનીતિ આ રાજ્યમાં ચાલી રહી છે, તે ચાલતી રહેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલ દુર્ઘટનામાં રાજીનામું આપી દીધું હતું. ગુજરાતના મુખ્યમંત્રી રાજીનામું આપી રહ્યા છે કે તેમને કાઢવામાં આવી રહ્યા છે અમે એ જાણવા માંગીએ છીએ. કોની જવાબદારી છે આ રાજ્યની? કોણ જવાબદારી લઈ રહ્યા છે ગુજરાતના લોકોની જિંદગીની? શું આ કંપની પાસે સંચાલન અને રીપેરિંગનો અનુભવ છે? આ દરેક સવાલ એક-એક હિન્દુસ્તાનીના મગજમાં છે.