Sihor
આકાશી આફત ; સિહોર સહિત જિલ્લામાં સતત વરસાદી માહોલને લઈ ખરીફ પાક બગડી જાય તેવી સ્થિતિ
વિદાય વેળાએ સતત વરસાદે બેટિંગ કરતા મગફળી સંપૂર્ણ બગડી જવાની સ્થિતિમાં : કેટલાક ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી ગયો : કપાસ, શીંગ, ડુંગળી, શીંગ અને બાજરીને પણ નુકસાન થાય તે શક્યતાઓ
ચોમાસાની વિદાય વેળાએ વરસાદે બેટિંગ કરતા જિલ્લામાં ખરીફ પાકોને વ્યાપક નુકશાન થયું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉભા પાકોને વ્યાપક નુકસાન થયા હોવાના અહેવાલો મળે છે ખેડુતોએ બહાર કાઢેલી મગફળી, કપાસ અને બાજરીને પણ પ્રતિકૂળ વરસાદની અસર વર્તાઈ હોવાનું ખેડુતો આગેવાનો જણાવે છે છેલ્લા દિવસોથી પડતાં વરસાદના કારણે ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયાનો અંદાજ છે.
જૂન જુલાઈમાં વાવેતર કરાયેલા ખરીફ પાકો સદંતર નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવરાત્રી ટાણે ચોમાસુ જાણે વિદાય લેવાની તૈયારીમાં હતું ત્યાં દશેરા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠેકઠેકાણે વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે લોકોને અસહ્ય ઉકળાટથી છુટકારો તો મળ્યો હતો. પરંતુ આમ અચાનક આવી ચડેલા વરસાદને કારણે ખરીફ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.
કેટલીક જગ્યાએ કપાસ, શીંગ, ડુંગળી, શીંગ અને બાજરીને પણ નુકસાન થાય તે શક્યતાઓ દેખાઈ રહી છે તો ક્યાંક બહાર કાઢેલી મગફળી પણ સંપૂર્ણ બગડી જવાની સ્થિતિમાં છે. જિલ્લામાં વરસાદી ઝાપટાં ખેડૂતો માટે વેરણ બન્યા છે ત્યારે સિહોર પંથક અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં પણ ખરીફ પાકને નુક્સાન પહોંચ્યું છે.