Bhavnagar
ભાવનગર : પ્રજાપતિ સમાજ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 8 ટિકિટની માંગ

પ્રજાપતિ એકતા મંચ ભાવનગર દ્વારા સમસ્ત પ્રજાપતિ સમાજ વતી આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રજાપતિ સમાજને અન્યાય ન થાય અને વિધાનસભાની ચૂંટણીમાં આઠ જેટલી ટિકિટો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ અંગે આજ રોજ ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
પ્રજાપતિ એકતા મંચના પ્રમુખ હિતેશ લોલીયાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓબીસીની 52 ટકા વસ્તી પ્રમાણે પ્રજાપતિ સમાજને આગામી વિધાનસભામાં ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં 8 ટિકિટ પ્રજાપતિ સમાજને આપવામાં આવે એવી માંગ છે ગુજરાતમાં પ્રજાપતિ સમાજની 35 લાખથી વધારે વસ્તી ધરાવતો આ સમાજ હોવા છતાં ગુજરાતમાં પ્રજાપતિ સમાજનો એક પણ ધારાસભ્ય નથી.
જે પ્રજાપતિ સમાજમાં ચિંતાજનક બાબત છે. ગુજરાતમાં પ્રજાપતિ સમાજ દ્રારા આગામી ચૂંટણી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પાસે ટિકિટની માંગ કરવામાં આવી છે, ગુજરાતમાં બોટાદ, સુરતના કતારગામ, અમરેલી, વડોદરા, મહેસાણા, રાજકોટ અને મોરબી જિલ્લામાં પ્રજાપતિ સમાજની વસ્તી વધારે છે જ્યાં પ્રજાપતિ સમાજનું પ્રભુત્વ જોવા મળે છે.
તેવા વિસ્તારમાં તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પત્રકાર પરિષદ વેળાએ હિતેશભાઈ લોલીયાણા, હિરેનભાઈ સતાનપરા, અરવિંદભાઈ કાહોદરિયા, પ્રફુલભાઈ જીકાદ્રરા, રમેશભાઈ ખોલકીયા તથા લાલજીભાઈ મારુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.