Bhavnagar
ભાવનગર – નાતાલની તૈયારીઓ પુરજોશમાં, ક્રિસમસ ટ્રી, સ્ટાર સહિતની વસ્તુઓની ધુમ ખરીદી

Pvar
- ગત વર્ષની તુલનામાં ગૃહસજાવટની વસ્તુના ભાવમાં સામાન્ય વધારો ; ચર્ચોને સજાવવા માટે અત્યારથી જ આયોજનો શરૂ થયા, ખ્રિસ્તી સમાજમાં નાતાલને લઇને ભારે ઉત્સાહ
ભાવનગર : ભગવાન ઈસુના જન્મદિનના પર્વ નાતાલને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લામાં ખ્રિસ્તીબંધુઓ દ્વારા પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પર્વને લઈ શહેરના બજારોમાં પર્વને અનુરૂપ ક્રિસમસ ટ્રી, સ્ટાર સહિતની વિવિધ ગૃહસજાવટની ચીજવસ્તુઓનું આગમન થઈ ગયું છે. જો કે ચાલુ વર્ષે ગૃહસજાવટની ચીજવસ્તુઓમાં અમુક આઈટમને બાદ કરતા ખાસ ભાવવધારો નોંધાયો ન હોઈ ખરીદી સારી નીકળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભગવાન ઈસુના જન્મ દિનને નાતાલ પર્વ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. પર્વને આડે માંડ એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે શહેર સહિત જિલ્લાભરના ખ્રિસ્તી બંધુઓએ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોટાભાગે નાતાલ પર્વ દરમ્યાન ખ્રિસ્તી બંધુઓ ઘરની સજાવટ કરતા હોય છે.
ખ્રિસ્તીબંધુઓ પોતાના ઘરમાં સ્ટાર લગાવીને નાતાલનો સંદેશો પાઠવવા સાથે પર્વને લઈ ક્રિસમસ ટ્રી તેમજ અન્ય ડેકોરેશન સહિત વિવિધ પ્રકારનો આકર્ષક શણગાર કરવામાં આવતો હોય છે. પર્વ નજીક આવતાં જ ખ્રિસ્તી બંધુઓ દ્વારા વિવિધ પ્રકારની ગૃહસજાવટની ચીજવસ્તુઓની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. હાલ બજારમાં પર્વને અનુલક્ષીને ક્રિસમસ ટ્રી, ગભાણ સેટ, સ્ટાર તેમજ ઈલેક્ટ્રીક સીરીઝો જેવી ગૃહ સજાવટની ચીજવસ્તુઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વિવિધ પ્રકારની ગૃહસજાવટની ચીજવસ્તુઓ પૈકી કેટલીક ચીજવસ્તુઓના ભાવમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની ગૃહસજાવટની ચીજવસ્તુઓના ભાવમાં ઝાઝો વધારો ન નોંધાતા સારી ઘરાકી નીકળી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જેમ-જેમ પર્વ નજીક આવશે તેમ-તેમ હજુ વધુ ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યાં છે. હાલ તો સારી ઘરાકી નીકળતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.