Sihor
ટિકિટ મળશે જ તેવું માનીને અનેકે પ્રચાર સામગ્રી કરી લીધી’તી તૈયાર : સમર્થકો ફટાકડા ફોડવા થઈ ગયા’તા સજ્જ
મિલન કુવાડિયા
આ ભાજપ છે, ક્યારે શું કરે તેની કોઈને કલ્પના ન હોય…આગોતરું વિચારવું અસ્થાને, ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પોતાનું નામ નહીં નીકળતાં ટિકિટ વાંચ્છુકોની સાથે સાથે ટેકેદારોમાં પણ જોવા મળી રહેલી નિરાશા; જો કે શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર હોવાને કારણે કોઈ ખૂલીને બોલવા તૈયાર નથી
વિધાનસભા ચૂંટણી માટે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા આજે 182માંથી 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 69 જેટલા ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે તો બાકીના નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આજે જાહેર થયેલી યાદીમાં અનેક નામો એવા પણ નીકળ્યા છે જેને રાજકીય પંડિતો ‘સરપ્રાઈઝ’ માની રહ્યા છે. આ પ્રકારના માહોલની વચ્ચે ક્યાંક ક્યાંક નિરાશાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટ સહિત રાજ્યની અનેક બેઠકો એવી છે જેના પર પોતાને જ ટિકિટ મળશે તેવું માનીને બેઠેલા મુરતિયાઓએ અગાઉથી જ પ્રચાર સામગ્રી અને ફટાકડા સહિતની ખરીદી કરી રાખી હતી પરંતુ યાદી જાહેર થયા બાદ તેનું નામ નહીં નીકળતાં મનની મનમાં રહી જવા જેવો તાલ સર્જાયો છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જાહેર થયેલી મોટાભાગની બેઠકો એવી હતી જ્યાં કદ્દાવર ગણાતાં નેતાઓને એવું લાગી રહ્યું હતું કે પક્ષ આ વખતે પણ તેમના ઉપર વિશ્વાસ મુકીને ટિકિટની ફાળવણી કરશે પરંતુ હંમેશા સૌને ચોંકાવવા અને કંઈક નવું કરવા માટે જાણીતા ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોમાંથી માત્ર 69ને રિપિટ કરતાં અનેકની ટિકિટ કપાઈ છે.
જો કે પોતાની ટિકિટ પાક્કી માનીને બેઠેલા નેતાઓ અને તેમના સમર્થકોએ ઘણા દિવસ અગાઉથી જ પ્રચારની સામગ્રી ઉપરાંત ટિકિટ જાહેર થયા બાદ ફોડવા માટે ફટાકડા અને મીઠા મોઢા કરાવવા માટે મિઠાઈ સહિતની ખરીદી કરી લીધી હતી પરંતુ જેમ જેમ ઉમેદવારોની જાહેરાત થતી ગઈ તેમ તેમ ટિકિટ વાંચ્છુકો તેમજ તેમના સમર્થકોની નિરાશામાં વધારો થતો ગયો હતો. મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે ટિકિટ મળવાની કોઈ જ સંભાવના રહેતી ન હોવાને કારણે ટિકિટ વાંચ્છુક ઉમેદવાર અને તેના સમર્થકોના વિલા મોઢા પણ જોવા મળ્યા હતા. ચર્ચાતી વિગતો પ્રમાણે ટિકિટ નહીં મળવાને કારણે નેતાઓ અને સમર્થકોમાં નિરાશા વ્યાપી જવી સ્વાભાવિક છે પરંતુ ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હોવાને કારણે ક્યારેય પણ કોઈ સામે આવીને પોતાની નારાજગી વ્યક્ત કરતું નથી એટલા માટે આ વખતે પણ ટિકિટ નહીં મળવાને કારણે નેતાઓ અને તેમના સમર્થકો થપ્પડ મારીને ગાલ લાલ રાખી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે.