Bhavnagar
શિયાળો જામતા ઓળા-રોટલાની સિઝન ખિલી ઉઠી, તૈયાર ખરીદવાનું વધી રહેલુ ચલણ
બરફવાળા
- રોટલાની સાથે ઓળાની લિજજત જ કંઈક અલગ હોય છે, હાઈવે પરના ધાબા, ગાર્ડન રેસ્ટોરન્ટ, વાડી-ખેતરો અને ફાર્મહાઉસમાં કાઠીયાવાડી જમણ સાથેની પાર્ટીનો ક્રેઝ વધ્યો
સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુમાં કાઠીયાવાડી ટેસ્ટફૂલ ઓળા-રોટલાની જમાવટ જ કંઈક અલગ હોય છે. ગોહિલવાડમાં શિયાળો જામતા શહેરની ભાગોળે આવેલા ધાબા, હોટલ, ગાર્ડન રેસ્ટોરન્ટ,વાડી-ખેતરો તેમજ ફાર્મહાઉસમાં વ્યકિતગત અને પારિવારિક કાઠીયાવાડી ઓળા-રોટલાની પાર્ટીના ધૂમ આયોજનો થઈ રહ્યા છે. ઓળાની સીઝન જામતા અને આવકમાં વધારો થતા ચોમેર ઓળાના રીંગણાનુ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ગરમ તાસીર ધરાવતા રીંગણાનું શિયાળામાં વધારે સેવન કરવામાં આવે છે. સિહોર શહેર અને તાલુકામાં શિયાળાના આગમનની સાથે જ શિયાળુ લીલાછમ્મ શાકભાજીનુ શાકમાર્કેટમાં ધૂમ વેચાણ થઈ રહ્યુ છે અને આ સાથે ગોહિલવાડના ખાણી-પીણીના શોખીન લોકો હવે ઠંડીની સિઝનમાં કાઠીયાવાડી જમણ ઓળા-રોટલાની મન મુકીને જયાફત માણી રહ્યા છે.
ઠંડીની ઋુતુના મુખ્ય ગણાતા લીલાછમ્મ શાકભાજીના રાજા ગણાતા ઓળાના રીંગણાની ધૂમ આવક થતા સ્થાનિક મુખ્ય માર્કેટમાં હવે તો રૂા ૨૦ થી ૨૫ ના કિલોના ભાવે ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. સામાન્ય રીતે ટેસ્ટફૂલ ઓળો અને રોટલા બનાવવામાં ભારે કડાકૂટ રહેતી હોય મોર્ડન ગૃહિણીઓમાં તે ઘરે બનાવવાના બદલે નજીકના હોટલ, રેસ્ટોરન્ટમાંથી રૂા ૬૦ થી ૮૦ નો તૈયાર ઓળો અને રૂા ૧૨ થી લઈને રૂા ૧૮નો એક રોટલો લેખે તૈયાર ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં દેશી બાજરાના રોટલાની સાથે ઓળાની લિજજત જ કંઈક અલગ હોય છે. મીની વેકેશન માણવા માદરે વતનના ગામડે આવતા પરિવારો માટે યજમાન પરિવારો દ્વારા અચૂક ઓળા રોટલાના જમણનું આયોજન કરતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પ્રચારકાર્ય કરનારા કાર્યકર્તાઓ માટે ઉમેદવારો અને સમર્થકો દ્વારા ઠેર ઠેર મોટી સંખ્યામાં કાઠીયાવાડી જમણના આયોજનો કરાયા હતા. છેલ્લા સપ્તાહથી ઠંડી વધતા હાઈવે પરના ધાબા, હોટલ રેસ્ટોરન્ટમાં વીકએન્ડમાં કાઠીયાવાડી જમણની પાર્ટીના એડવાન્સ બુકીંગ થઈ રહ્યા છે.