Bhavnagar
ઠંડીની અનુભૂતિ વધતાની સાથે શહેરમાં ગરમ વસ્ત્રોની ખરીદીમાં ઉછાળો આવશે

પવાર
- ઉંચા ભાવ હોવા છતા બ્રાન્ડેડ કંપનીના માલનો યુવાનોમાં ભારે ક્રેઝ, પરિવહન ખર્ચ, મજુરી દર અને રો મટીરીયલ્સના ભાવમાં વધારો થતા ગરમ વસ્ત્રોના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો
છેલ્લા સપ્તાહથી ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે અને વહેલી સવારના અરસામાં ઠંડીની અનુભુતિ થઈ રહી છે તે સાથે જ શહેરની વુલન માર્કેટમાં ગરમ વસ્ત્રોના ભાવમાં સડસડાટ રીતે વધારો થઈ રહ્યો છે. પરિવહન ખર્ચ, મજુરી દર તેમજ રો-મટીરીયલ્સ મોંઘુ થતા ડિઝાઈનર ગરમ વસ્ત્રોના ભાવમાં અંદાજે ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે તેમ છતાં તેની ડિમાન્ડમાં ઘટાડો થયો નથી. આજથી વર્ષો પૂર્વે ભાવનગર શહેરના ગંગાજળીયા તળાવ, મુખ્ય શાકમાર્કેટની સામે અને ઘોઘાગેટ સહિતના વિસ્તારોમાં તિબેટીયન વિક્રેતાઓ સપરિવાર ગરમ વસ્ત્રોના વેચાણ માટે અઢીથી ત્રણ માસ સુધી ડેરાતંબુ તાણતા હતા.જેઓ હવે જવાહર મેદાનમાં વર્ષોથી કામચલાઉ વુલન માર્કેટ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક વેપારીઓ પણ વુલન માર્કેટ સાથે સંકળાયેલા છે. આ વુલન માર્કેટમાં રૂા ૩૦૦ થી લઈને રૂા ૩૦૦૦ થી વધુની રકમની વસ્તુઓ પણ ઉપલબ્ધ છે. તિબેટીયનો દેશના વિવિધ ભાગો અને પડોશી દેશોમાંથી ગુણવત્તાયુકત ગરમ કપડા સાથે અહિ આવે છે. તેઓનો માલસામાન ગુજરાતમાં ટ્રેન અને હવાઈમાર્ગે ગુજરાતમાં લાવતા હોય છે.
મહદંશે તિબેટ, ભુતાન, હિમાચલ, બેંગકોક,દિલ્હી અને લુધિયાણાના વિક્રેતાઓ હોય છે. વિક્રેતાઓએ જણાવ્યુ હતુ કે, હાલ ઠંડી ઓછી છે પણ ડિસેમ્બર માસમાં ઠંડી વધતા ઘરાગી વધશે. શહેર ઉપરાંત ખાસ કરીને નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખાસ કરીને બાળકો, યુવાનો અને નવયુગલો દ્વારા એક એકથી ચડીયાતા સ્ટાઈલીશ લુક ધરાવતા સાદાથી લઈને ડિઝાઈનર અલગ-અલગ લોગોવાળા લેડીઝ અને જેન્ટસ સ્વેટર, જેકેટ, શાલ, મફલર ટોપી, કાનટોપી, હાથ અને પગના મોજા સહિતના ગરમ વસ્ત્રોની ખરીદી અર્થે ગ્રાહકો ઉમટી રહ્યા છે. આ ઉપરાંત શહેરના વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોના નામાંકિત કંપનીઓના શોરૂમ તેમજ મોલ ઉપરાંત હોઝીયરીની દુકાનોમાં પણ બ્રાન્ડેડ કંપનીઓના ગરમ વસ્ત્રો ખરીદવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ બ્રાન્ડેડ કંપનીઓના માલ હેવી સ્ટાઈલીશ લુક ધરાવતો હોય કોલેજીયન યુવાનોમાં તેનો ભારે ક્રેઝ જણાઈ રહ્યો છે. આ સાથે બ્રાન્ડેડ કંપનીઓના ગરમ વસ્ત્રોની યુવાનો દ્વારા ઓનલાઈન પણ ખરીદી વધી રહી છે.ગત બે વર્ષ આ તિબેટીયન શરણાર્થીઓ કોરોનાને લઈને ભાવનગરમાં આવ્યા ન હતા. શહેરમાં અનેક પરિવારોની કાર્યકુશળ ગૃહિણીઓ ફાજલ સમયમાં જાતે સ્વેટર બનાવવાની કામગીરીમાં જોતરાતી હોય છે. બજારના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગત વર્ષની તુલનામાં આ વર્ષે સ્ટાઈલીશ અને ડિઝાઈનર ગરમ વસ્ત્રોની કિંમતમાં અંદાજે ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. જેમાં અન્ય રાજયોમાંથી ગાંસડી (મહાકાય કાર્ટુન)સ્વરૂપે માલ સામાન આવતા જંગી પરિવહન ખર્ચ, મજુરી દર અને રો મટીરીયલ્સના ભાવમાં થતા વધારાના કારણે ગરમ વસ્ત્રો પણ મોંઘા બન્યા છે. ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ઠંડીનું પ્રમાણ જેમ જેમ વધતુ જશે તેમ તેમ આ વુલન માર્કેટના વિક્રેતાઓનો માલસામાન વેચાતો જશે તેમ તેઓએ આશાવાદ વ્યકત કર્યો હતો.