Bhavnagar
સિહોર સાથે જિલ્લામાં ઘન કચરો બાળનાર સામે પગલા લેવાશે
દેવરાજ
- ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ : અલંગ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ-પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવતા લોકોના આરોગ્યને નુકશાન
સિહોર સાથે જિલ્લાના લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડયુ છે, જેનો અમલ નહી કરનાર સામે પગલા લેવામાં આવશે. જિલ્લાનાં તાજેતરમાં શહેરી વિસ્તાર તથા વિકસીત વિસ્તારનાં લોકોનાં રોજબરોજનાં જીવનમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયેલ છે અને ભાવનગર જિલ્લાનાં અલંગ ખાતે આવેલ શીપ યાર્ડમાંથી નીકળતા વાયરમાંથી તાંબુ-પીત્તળ જેવી ધાતુઓ છુટી પાડવા માટે પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવામાં આવે છે. આમ, ઘન કચરો પ્લાસ્ટીક તથા અલંગ યાર્ડમાંથી નીકળતા વાયરોનાં પ્લાસ્ટીક કોટેડ વાયરો સળગાવવા/બાળવાનાં કારણે તેના ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે
જે લોકોનાં સ્વાથ્ય માટે હાનીકારક નીવડે છે. જે અંગે ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે, લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગવિસ્તાર વિસ્તાર સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર બાળવા/ સળગાવવા નહિ. આ હુકમ જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો અમલ સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, કમિશનર-મહાનગરપાલિકા, મુખ્ય કારોબારી અધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, નિદષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ- અલંગ તથા સંબંધિત ચીફ ઓફીસર, નગરપાલિકાઓએ કરાવવાનો રહેશે.