Gujarat
લાગણી દુભાવાના કેસમાં AAP ના ગોપાલ ઈટાલીયાની ભાવનગરમાં ધરપકડ બાદ જામીન મુક્ત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે. તેમ છતાં રાજનિતીમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દૌર બંધ નથી થતો જણાતો. ચૂંટણી દરમિયાન સતત વિવાદમાં રહેલા આપના પ્રદેશ અધ્યક્ષ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કારણ કે, આજે તેમની ભાવનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું ખુદ ગોપાલ ઈટાલીયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. ઉમરાળા પોલીસે ગોપાલ ઈટાલિયા સામે લોકોની ધાર્મિક લાગણી દુભાવવા બદલ કલમ 295 હેઠળ ગુનો નોંધ્યો હતો. બે મહિના અગાઉ દ્વારકામાં ભાષણમાં કૃષ્ણ ભગવાન વિશે વાત કરતા રંઘોળાના આહીર સમાજના વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. ગોપાલ ઇટાલિયાની ધરપકડ બાદ જામીન આપી મુક્ત કરાયા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ગોપાલ ઈટાલીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ગુજરાતની જનતાએ ભ્રષ્ટ ભાજપને આપેલી પૂર્ણ બહુમતીવાળી નવી સરકાર કામે લાગી ગઈ છે. ભાવનગર પોલીસે આજે મારી ધરપકડ કરી છે. ગઈકાલે મારા દાદીનું અવસાન થયું, આખો પરિવાર દુઃખી છે પરંતુ ભાજપે મારી ધરપકડ કરી છે. કદાચ બહુમતી આ કામ માટે મળી ગઈ હશે. ગોપાલ ઈટાલીયાની ધરપકડ મામલે આપના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા પ્રહાર કરતા ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, બહુ દુઃખની વાત છે! ગોપાલભાઈના દાદીનું અવસાન થયું છે અને ભાજપ પોલીસનો દુરુપયોગ કરી રહી છે! શું આ છે ગુજરાતનું બીજેપી મોડલ? ભાજપ સરકાર ગમે તેટલો જુલમ કરે! અમે લોકો માટે લડતા રહીશું!