Connect with us

Bhavnagar

આપ’ બની કોંગ્રેસ માટે શ્રાપ : આયોજનનો અભાવ, જુથવાદનો પ્રભાવ

Published

on

aap-becomes-curse-for-congress-lack-of-planning-influence-of-sectarianism

કુવાડિયા

  • ટીકીટ વિતરણમાં ભૂલ : સરકાર વિરોધી મુદ્દા અસરકારક રીતે ઉઠાવવાની નિષ્‍ફળતાએ સૌથી જુની પાર્ટીની અભૂતપુર્વ દુર્દશા કરી

રાજયની ૧૫ વિધાનસભાની ચુંટણીનું પરીણામ આજે જાહેર થઇ ગયું છે. લક્ષ્યાંક મુજબ ૧૫૦ આસપાસ બેઠકો મેળવી ભાજપ સતત સાતમી વખત સરકાર રચવા તરફ છે. બીજી બાજુ દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસની આ વખતે અભુતપુર્વ દુર્દશા થઇ છે. ગુજરાતમાં ભાજપના સતાક્ષેત્રે ઉદય પછી કોંગ્રેસને કદી ન મળી હોય તેટલી ઓછી બેઠકો આ વખતે મળી છે. અમુક બેઠકોની ગણતરી હજુ ચાલુ છે. કોંગ્રેસ ૧૭ આસપાસ બેઠકોમાં સમેટાઇ જાય તેવા એંધાણ છે.

વર્ષો સુધી ગુજરાતમાં અને  દેશમાં શાસન ભોગવનાર કોંગ્રેસની પડતી માટે અનેક કારણો જવાબદાર છે. આ વખતની ચુંટણીમાં કોંગ્રેસને પછડાટ માટે સૌથી અગત્‍યનું કારણ આમ આદમી પાર્ટીની એન્‍ટ્રી છે. ભાજપ વિરોધી મત કોંગ્રેસને મળવા જોઇએ તેમાં આમ આદમી પાર્ટીએ ભાગ ભજવ્‍યો છે. ઘણી જગ્‍યાએ આપને નોંધપાત્ર મત મળતા કોંગ્રેસના મોઢા સુધી આવેલો કોળીયો ઝુંટવાઇને ભાજપ સુધી પહોંચી ગયો છે. અમુક બેઠકોમાં ભાજપ પછી કોંગ્રેસના બદલે આપ ત્રીજા ક્રમે છે. રાજયમાં નવી પાર્ટી હોવા છતા આપને એક આંકડામાં બેઠકો સાથે નોંધપાત્ર જનાધાર મળ્‍યો છે. આવતા દિવસોમાં આમ આદમી પાર્ટી વધુ વિસ્‍તરી શકે છે. મતના વિભાજન ઉપરાંત અન્‍ય કેટલાક કારણો પણ કોંગ્રેસના પરાજય માટે જવાબદાર છે.

ઘણી બેઠકોમાં કોંગ્રેસે ટીકીટ આપવામાં ભુલ કરી છે. જુથવાદ કોંગ્રેસને કાયમી નડતી સમસ્‍યા છે. મજબુત વિપક્ષ તરીકે ભુમીકા ભજવવામાં કોંગ્રેસ નિષ્‍ફળ રહી છે. મોટા ભાગના વિસ્‍તારોમાં ચુંટણી સિવાયના સમયમાં કોંગ્રેસ સામાન્‍ય સક્રિયતા અથવા નિષ્‍ક્રીયતા ધરાવે છે. ભાજપના રાષ્‍ટ્રીય નેતાઓ ગુજરાતમાં ઉતરી પડયા હતા. જયારે કોંગ્રેસમાંથી માત્ર રાહુલ ગાંધી અને મલ્લીકાર્જુન ખડકે બે વખત આવ્‍યા હતા. તેમના રાવણવાળા નિવેદને પણ ભાજપને લોકોની સહાનુભુતી મેળવવાની તક આપી હતી. રાજય સરકાર સામે મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, લઠ્ઠાકાંડ, બેરોજગારી, મોરબીનો ઝુલતો પુલ વગેરે મુદ્દા હતા. ર૭ વર્ષથી ભાજપ શાસનમાં હોવાથી એન્‍ટીઇન્‍કમબન્‍સીનો મુદ્દો પણ હતો. આ બધા મુદ્દા જનતા સુધી અસરકારક રીતે પહોંચાડવામાં કોંગ્રેસ મહદ અંશે નિષ્‍ફળ રહી છે. આમ એકથી વધુ કારણસર રાજયમાં કોંગ્રેસની હાલત દયાજનક થઇ ગઇ છે.

error: Content is protected !!