Sihor
સિહોરના સણોસરા ખાતે કૃષિ ઉત્પાદક સંસ્થાઓની બેઠક યોજાઇ
પવાર
કૃષિ સંસ્થાઓ સફળતા માટે વ્યવસાયિક પ્રવાહો સાથે નવીનીકરણ માટે જાગૃતિ દાખવે તેવો નિષ્ણાંતોનો અનુરોધ
સિહોરના સણોસરા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મળેલી વ્યવસાય વિકાસ બેઠકમાં નિષ્ણાતો દ્વારા કૃષિ સંસ્થાઓ સફળતા માટે વ્યવસાયિક પ્રવાહો સાથે નવીનીકરણ માટે જાગૃતિ દાખવે તેમ અનુરોધ કરાયો. સરકાર શ્રી દ્વારા કૃષિ વિકાસ અને ખેડૂતોના હિત માટે ખાસ કૃષિ ઉત્પાદક સંસ્થાઓ માટે અનેકવિધ સહાયક યોજનાઓ અમલી છે જે સંદર્ભે વી.આર.ટી.આઈ. સંસ્થાના સંકલન સાથે ભાવનગર જિલ્લામાં કાર્ય ચાલી રહ્યું છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર લોકભારતી સણોસરામાં મળેલી બેઠકમાં કૃષિ ઉત્પાદક સંગઠન હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાવનગર જિલ્લા નાયબ ખેતી નિયામક શ્રી મોહમ્મદ રિઝવાન દ્વારા કૃષિ ઉત્પાદન વ્યવસાય સાથે વેચાણ પ્રક્રિયામાં સરકારી વિધિ માટે વિગતો આપી. તેઓએ આ સંસ્થાઓ માટે વિચારોથી નહિ પણ સતત કાર્યરત રહેવાથી વ્યવસાય કરી શકે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. નાબાર્ડ કચેરીના અધિકારી શ્રી દિપક ખલાસે કૃષિ સંસ્થાઓ માટે નાણાંકીય સહાય સાથે અપાતી જાણકારી અંગે જણાવ્યું અને આ માટે સમયસર અહેવાલ કામગીરી માટે આગ્રહ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકારના કૃષિ વિભાગના શ્રી સંતોષ રંગરાવએ મસાલા ઉત્પાદન અને વેચાણ માટે સરકારના નિયમો તેમજ વિધિ બાબત જણાવ્યું હતું. આ બેઠકમાં વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના શ્રી મનુભાઈ ચૌધરીએ આવી ઉત્પાદક સંસ્થાઓની સ્થાપનાના હેતુ અને સભાસદોના વિશ્વાસ સાથે કાર્યકર્તાઓની ભૂમિકા પર ભાર મૂક્યો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી વિનીત સવાણીના આયોજન સહયોગ સાથે યોજાયેલ આ બેઠકમાં નિષ્ણાતો દ્વારા વ્યવસાયિક પ્રવાહો સાથે નવીનીકરણ માટે જાગૃતિ દાખવવા જણાવાયું. કેન્દ્રના શ્રી જગદીશ કંટારિયા તથા શ્રી પ્રદીપ ક્યાડા અને સલાહકાર શ્રી મૂકેશ પંડિત જોડાયા હતા. અહી શ્રી હિતેશ દેવડિયા દ્વારા સંસ્થાઓ સાથે તેમની પેઢી દ્વારા કૃષિ વેચાણ સુવિધા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં સંકલનની મુખ્ય જવાબદારીમાં રહેલ શ્રી નરેન્દ્રસિંહ ઝાલાએ પ્રારંભે આવકાર પરિચય સાથે ખેડૂત સંસ્થાઓના અગ્રણીઓને તેમના કાર્યો વધુ ઝડપથી કરવા જણાવ્યું હતું.