Sihor
સિહોરના ઘાંઘળી નજીક કાળ બનીને આવેલા ડમ્પરે 24 વર્ષીય જયદીપનો જીવ લીધો
બે બહેન વચ્ચે એક ના એક ભાઈનું માર્ગ અકસ્માતે કરુણ મોત, સોનગઢના ઉખરલા ગામના યુવાન જયદીપ મેલડીમાંના દર્શન કરવા જઈ રહ્યા હતા તે વેળાએ ડમ્પરના ચાલકે હડફેટ લેતા અરેરાટી ભર્યું મોત, પરિવારમાં માતમ છવાયો, ડમ્પર ચાલકોની બેદરકારીના કારણે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે
સિહોર નજીક ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ પાસે ગઈ કાલે બપોરના સુમારે ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નિપજ્યુ છે બનાવને લઈ અરેરાટી વ્યાપી છે સિહોરના રોડ રસ્તાઓ પર બેફામ બનીને દોડી રહેલા ડમ્પરો યમરાજ બન્યા છે કોઇપણ જાતના નિયમોની પરવા કર્યા વગર બેફામ દોડતા ડમ્પરો અવાર-નવાર અકસ્માત સર્જી રહ્યા છે ઘાંઘળી રોડે નીકળતા ડમ્પરોના ચાલકો બેફામ બનીને પૂરપાટ ગતિમાં વાહનો દોડાવે છે તેને કારણે અનેક વખત નાના-મોટા અકસ્માતો બની રહ્યા અને જવાબદારો તમાશો જોયા રાખે છે જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલ ભાવનગર-વલ્લભીપુર રોડ પર આવેલ ઘાંઘળી ગામ નજીકના વળાંક-બેઠા પુલ પાસે છાશવારે અકસ્માતો સર્જાય છે.
સાંકડો તથા ખરાબ રોડ ઉપરાંત ર૪ કલાક હેવી ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આજે બપોરે બાઈક થતા ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સોનગઢના ઉખરલા ગામે રહેતા 24 વર્ષીય જયદીપ મનીષભાઈ બ્રાહ્મણને ગંભીર ઇજા થતાં 108 મારફત જયદીપને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા આ ઘટના દરમિયાન ડમ્પર ચાલક પણ વાહન સાથે ભાગી છુટ્યો હતો. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને લઈ યુવાનના પરિવાર અને ઉખરલા ગામમાં ઘેરો શોક વ્યાપ્યો છે મરણજનાર જયદીપના પિતા મનીષભાઈ પાલીતાણા ખાતે તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે