Bhavnagar
અલંગ ઉદ્યોગમાં તેજીની આશ, નવેમ્બરમાં 11 જહાજ લાંગર્યા

પવાર
- છેલ્લા 5 માસમાં હાઈએસ્ટ શિપ અલંગની આખરી સફરે પહોંચ્યા : એપ્રિલથી નવેમ્બર સુધીના સમયગાળામાં 82 જહાજે અલંગને આખરી મુકામ બનાવ્યો, ડિસેમ્બરમાં શિપની સંખ્યા વધવાની આશા
વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકીંગ યાર્ડમાં ગત માસ દરમિયાન ૧૧ જહાજ આખરી સફરે પહોંચ્યા હતા. છેલ્લા પાંચ માસમાં અલંગમાં ૧૦થી વધુ જહાજ લાંગર્યા હોય તેવું નવેમ્બર માસમાં બન્યું છે, ત્યારે છેલ્લા ઘણાં સમયથી મંદીના વમળમાં ફસાયેલા અલંગ ઉદ્યોગમાં તેજીની આશ જાગી છે. જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું કેન્દ્ર બનેલા અલંગ જહાજવાડાએ નવા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રારંભિક બે મહિનાને બાદ કરતા મંદી જ જોઈ છે. તેમાં પણ જુલાઈ અને ઓગસ્ટ માસ તો અલંગ માટે વર્ષો બાદ મંદીનું વાવાઝોડું લઈને આવ્યો હોય તેમ આંતરરાષ્ટ્રીય બજારમાં વેંચવાલી નહીંવત રહેતા અને ડોલર સામે રૂપિયો ગગડી જવાથી આ બન્ને મહિનામાં સમ ખાવા માટે માત્ર ત્રણ-ત્રણ શિપ જ અલંગના દરિયાકાંઠે ભંગાવા માટે બીચ થયા હતા. ત્યારબાદ સપ્ટેમ્બરમાં જહાજની સંખ્યા વધતા તેજીની ચમક પાછી ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું.
પરંતુ ઓક્ટોબરમાં ફરી શિપની સંખ્યા ઘટી જતાં શિપબ્રેકરો મૂંઝાયા હતા. જો કે, નવેમ્બર માસ અલંગ જહાજવાડા માટે તેજીની આશા લઈને આવ્યો હોય તેમ ગત માસ દરમિયાન અલંગમાં ૧૧ શિપ રિસાયકલ થવા માટે અલંગ પહોંચ્યાનું નોંધાયું છે. નવેમ્બર બાદ હવે ડિસેમ્બરમાં પણ શિપની સંખ્યા વધશે તેવી શિપબ્રેકરો આશા વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, અલંગ શિપ યાર્ડમાં એપ્રિલ માસમાં ૨૦, મેમાં ૧૬, જૂનમાં ૧૨, જુલાઈમાં ૦૩, ઓગસ્ટમાં ૦૩, સપ્ટેમ્બર ૧૦, ઓક્ટોબરમાં ૦૭ અને નવેમ્બર મહિનામાં ૧૧ મળી કુલ ૮૨ જહાજ આખરી સફર ખેડીને પહોંચ્યા છે.