Bhavnagar
ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં નથી : વડાપ્રધાનના ‘જય ઠાકર’
ભાવનગરની ધરતી ભાગવત કથાથી વૃંદાવન બની : લાકડીઓનો જમાનો ગયો – હવે કલમનો જમાનો : રૂબરૂ હાજર ન રહી શકવા બદલ ક્ષમા માંગી
બાવળિયાળી ઠાકરધામમાં શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ધાર્મિક, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે કલાકારોની ઉપસ્થિતિમાં અનોખો સાંસ્કૃતિક ઉપક્રમ યોજાયો હતો.ભરવાડ સમાજની આસ્થાનાં કેન્દ્ર સમાન અને 52 ઠાકર દુવારા પૈકીનાં એક ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથાસ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. તેમણે સંબોધનની શરૂઆત જય ઠાકર કહીને કરી હતી.ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રસંગે આજે 70 હજાર જેટલી ભરવાડ સમાજની મહિલાઓ દ્વારા હુડો રાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.
આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે મહાકુંભ તો ઐતિહાસિક હતો પણ આ મેળામાં જ મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવી. તેમણે કહ્યું હતું કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવનગરની આ ધરતી જાણે ભગવાન શ્રીકૃષ્ણની વૃંદાવન બની ગઈ છે. અને ભાઈશ્રીની ભાગવત કથાથી કૃષ્ણમાં તરબોળ થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે બાવળિયાળી ધામ એ માત્ર એક ધાર્મિક સ્થાન નથી પણ ભરવાડ સમાજ સહિત અનેકની આસ્થા, સંસ્કૃતિનું કેન્દ્ર છે. નગાલાખા ઠાકરની કૃપાથી આ પવિત્ર સ્થાનને હમેશા સાચી દિશા, ઉત્તમ પ્રેરણા અને વારસો મળ્યો છે. આ મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ એ આપણો રૂડો અવસર છે. આ તકે તેમણે હુડો રાસનાં રેકોર્ડને યાદ કર્યો હતો અને કહ્યું કે જાણે વૃંદાવનને જીવંત કરી દીધું. ભરવાડ સમાજ પરિશ્રમમાં માનનારો છે. સાથે તેમણે ટકોર કરતાં કહ્યું હતું કે હવે લાકડીઓનો જમાનો ગયો પણ હવેનો જમાનો કલમનો જમાનો છે. તેમણે કહ્યું હતું કે ભરવાડ સમાજનું કોઇ માણસ વૃદ્ધાશ્રમમાં ન જોવા મળે, સયુંકત પરીવાર, માતાપિતાની સેવાને ઈશ્વરની સેવા માને છે. ભરવાડ સમાજનાં મૂલ્યોને મજબૂત કરવાનો પેઢી દર પેઢી પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ પ્રસંગે સહભાગી બનાવવા બદલ આભાર માન્યો હતો અને સાથે જ તેમણે ક્ષમા માંગતા કહ્યું હતું કે હું આ પ્રસંગે હાજર નથી રહી શક્યો તે બદલ ક્ષમા માંગુ છું. ભરવાડ સમાજ સાથે મારે જૂનો સંબંધ છે. ભરવાડ સમાજની સેવા , ગૌસેવા, પ્રકૃતિ પ્રેમને શબ્દોમાં ન વર્ણવી શકીએ. તેમણે દુકાળનાં સમયે ઈશુબાપુની સેવાને પણ બિરદાવી હતી. તેમના કાર્યોને દેવકાર્ય સાથે સરખાવી શકાય. શિક્ષણ, ગીર ગાયની સેવામાં તેમની પરંપરા જોવા મળી. રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં યોજાયેલ હુડો રાસે વિક્રમ સર્જ્યો છે. તીર્થસ્થાન શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં 75 હજાર જેટલી બહેનોએ પરંપરાગત વેશભૂષામાં કલાકારોનાં ઢોલ સંગીત અને ગાન સાથે હુડો રાસ પ્રસ્તુત કર્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આપણી જગ્યા દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં આ આયોજનને બિરદાવ્યું. સરકાર દ્વારા પણ આપણાં ધર્મસ્થાનો સાથે સર્વાંગી વિકાસ માટે નક્કર અને સફળ આયોજનો થઈ રહ્યાનું જણાવી, આપણી ધર્મ સંસ્થાઓનો સહયોગ મળી રહ્યાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. મહંત શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ અને જગ્યાનાં અગ્રણીઓ સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સંસ્કૃતિનું અનોખું દર્શન રજૂ થયું હતું. ભવાનભાઈ ભરવાડે સ્વાગત સાથે પ્રાસંગિક વાત કરી.