Politics
કોંગ્રેસ નેતાના નિવેદનથી મચ્યો હોબાળો! કહ્યું: “ગીતામાં શ્રીકૃષ્ણે અર્જૂનને શિખવાડ્યો હતો જેહાદનો પાઠ”
કોંગ્રેસ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને હોબાળો થયો છે. એક પુસ્તકના વિમોચનમા સામેલ થયેલા શિવરાજ પાટિલે કહ્યું કે, જેહાદ ફક્ત કુરાનમાં જ નથી, પણ ગીતામાં પણ જેહાદ છે. જીસસમાં પણ જેહાદ છે. તેમના એક નિવેદન પર રાજકારણમાં મોટો હોબાળો સર્જાઈ શકે છે. પાટિલે કહ્યું હતું કે, ઈસ્લામ ધર્મની અંદર જેહાદની બહુ ચર્ચા થઈ છે. સંસદમાં અમે જે કામ કરી રહ્યા છીએ, જે જેહાદને લઈને નહીં પણ વિચારને લઈને કરી રહ્યા છીએ. જ્યારે સ્વચ્છ વિચાર તમામ પ્રયત્નો છતાં પણ કોઈ સમજતું નથી, ત્યારે શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તે ફક્ત કુરાન શરીફની અંદર જ નથી, તે મહાભારતની અંદર જે ગીતાનો ભાવ છે, તેમાં પણ જેહાદ છે, મહાભારતમાં શ્રીકૃષ્ણજીએ પણ અર્જૂનને જેહાદનો પાઠ ભણાવ્યો હતો.
પાટિલ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહસિના કિદવઈની બાયોગ્રાફીના વિમોચન પર બોલી રહ્યા હતા. અહીં પાર્ટી સાંસદ શશિ થરુર, સુશીલ કુમાર શિંદે અને મણિશંકર અય્યર પણ જોડાયા હતા. નેશનલ કોન્ફ્રન્સના પ્રમુખ ફારુક અબ્દુલા પણ કાર્યક્રમમાં હાજર હતા. તેમણે આગળ કહ્યું કે, ઈસાઈ ધર્મના પુસ્તકોમાં પણ આવો મેસેજ આપવામાં આવ્યો છે. ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આ નિવેદનને લઈને કોંગ્રેસ પર ટાર્ગેટ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે કોંગ્રેસે હિન્દુ નફરતની તમામ હદો પાર કરી દીધી છે. તુષ્ટિકરણની રાજનીતિને લઈને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને રાજેન્દ્ર પાલના હિન્દુ વિરોધી નિવેદનોથી તેઓ ક્યાંક વોટ બેંકની આખી દુકાન ન લઈ જાય, તેને લઈને કોંગ્રેસે આજે તમામ હદો પાર કરી દીધી છે. શિવરાજ પાટિલે જ હિન્દુ ટેરર શબ્દની ખોજ કરી હતી. તેમણે શ્રઈકૃષ્ણના પાવન મેસેજને ગીતાજીની તુલના જેહાદ સાથે કરી છે. તેમણે કહ્યું કે, શ્રીકૃષ્ણે અર્જૂનને જેહાદ શિખવાડ્યો છે.