Sports
સ્પેને 21 ભારતીય કુસ્તીબાજોને ન આપ્યા વિઝા! કારણ જાણી સૌ કોઈ ચોકી ગયા

ભારતમાં સ્પેનિશ એમ્બેસીએ 21 ભારતીય કુસ્તીબાજોને વિઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. આ તમામ કુસ્તીબાજો પોન્ટેવેદ્રામાં આયોજિત અન્ડર-23 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના હતા.
આ વિઝા અરજીઓ ફગાવી દેવામાં આવી છે કારણ કે દૂતાવાસને શંકા છે કે વિઝાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી ખેલાડીઓ દેશ છોડશે નહીં.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ સોમવારથી શરૂ થયેલી ચેમ્પિયનશિપ માટે 30 સભ્યોની ટીમ પસંદ કરી હતી, પરંતુ માત્ર નવ ખેલાડીઓને જ વિઝા આપવામાં આવ્યા હતા.
ભારતીય કુસ્તીબાજો કે જેઓ ચેમ્પિયનશિપમાંથી બહાર રહી ગયા હતા તેમાં અંડર-20 મહિલા વર્લ્ડ ચેમ્પિયન અંતિમ પંઘાલનો સમાવેશ થાય છે.
WFI ના આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે પહેલા ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કર્યો ન હતો. ભારત સરકાર તરફથી મંજૂરી પત્ર અને વિશ્વ કુસ્તીની સંચાલક મંડળ UWW તરફથી આમંત્રણ પત્ર બતાવવા છતાં અમારા કુસ્તીબાજોને નાના-મોટા કારણોના કારણે વિઝા આપવામાં આવ્યા નથી.
તેમને કહ્યું, “અમે પોસપોર્ટ ઝડપી પરત કરવાનું કહ્યું તો આજ સાંજે અમને નામંજૂરીનો પત્ર મળ્યો. તે વાસ્તવમાં અજીબોગરીબ છે. તે ખરેખર મારા સમજથી બહાર છે કે, અધિકારી તે પરિણામ પર કેવી રીતે પહોંચ્યા કે ભારતીય પહેલવાન અને કોચ ભારત પરત ફરશે નહીં.”
WFIએ પોતાના નવ કોચ માટે પણ વિઝાનું આવેદન કર્યું હતું પરંતુ છ લોકોને જ વિઝા આપવામાં આવ્યો.
ફ્રિસ્ટાઈલમાં 10 કુસ્તીબાજોમાંથી માત્ર અમન (57 કિગ્રા)ને વિઝા મળ્યા જ્યારે નવ અન્યની અરજીઓ ફગાવી દેવામાં આવી. રસપ્રદ વાત તે છે કે, ફ્રિસ્ટાઇલના ત્રણ કોચને વિઝા આપવામાં આવ્યો.
છ ગ્રીકો રોમન કુસ્તીબાજો અને મહિલાઓમાંથી માત્ર અંકુશ (50 કિગ્રા) અને માનસી (59 કિગ્રા)ને જ વિઝા આપવામાં આવ્યા હતા.
તોમરે કહ્યું, હવે અમે એક પહેલાવાન માટે ત્રણ કોચ કેવી રીતે મોકલી શકીએ છીએ, તેથી અમે જગમંદર સિંહને અમન સાથે મોકલી રહ્યાં છીએ. છ ગ્રીકો રોમન પહેલવાન પહેલાથી સ્પેન પહોંચી ચૂક્યા છે અને બે મહિલા પહેલવાન રવિવારે રવાના થઇ ગયા છે.