Politics
ગુજરાત ચૂંટણીમાં વધુ એક પક્ષે ઝંપલાવ્યુ : ડી જી વણઝારાની પાર્ટી ‘પ્રજા વિજય પક્ષ’ પણ મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. જેના કારણે આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાની શક્યતા જોવાઈ રહી હતી. હવે વિધાનસભા ચૂંટણીમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ IPS ડીજી વણઝારાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે નવી હિન્દુત્વવાદી પાર્ટીની જાહેરાત કરી છે. ‘પ્રજા વિજય પક્ષ’નામે વણઝારાએ નવી પાર્ટી બનાવી છે.
વણઝારાએ કટાક્ષમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ ભાજપનો વિકલ્પ બની શકવાની સ્થિતિમાં નથી. જો કોંગ્રેસ ભાજપનો વિકલ્પ બની શકી હોત, તો છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન ના હોત. હિન્દુત્વવાદી પાર્ટી ભાજપનો વિકલ્પ પણ એક બીજો હિન્દુત્વવાદી પક્ષ જ બની શકે. આમ આદમી પાર્ટી પણ ભાજપનો વિકલ્પ બની શકે તેમ નથી. અમારો પ્રજા વિજય પક્ષ ભાજપનો રાજકીય વિકલ્પ બનીને સામે આવ્યો છે.
વધુમાં વણઝારાએ જણાવ્યું કે, જેમ વિદેશોમાં બે જ પાર્ટી છે, તેમ ગુજરાતમાં પણ બે જ પક્ષ છે. જે વારાફરતી સત્તા ભોગવે. એક પાર્ટી 2 વર્ષ કે 5 વર્ષ સુધી સત્તામાં રહે અને પછી સત્તા પરિવર્તન થવું જ જોઈએ. જો આવું નહીં થાય, તો બદીઓ પેદા થશે. જે હાલ ગુજરાતમાં પણ છે. આથી જ અમે ગુજરાતમાં પ્રજા વિજય પક્ષ લઈને આવ્યાં છે.
આ સાથે જ ડીજી વણઝારાએ અમિતાભ બચ્ચન સ્ટાઈલમાં ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, માંગવું એ મારો સ્વભાવ નથી. વણઝારા ટિકિટ માટે કોઈ લાઈનમાં ઉભો ના રહે, તે જ્યાં ઉભો રહે, ત્યાંથી લાઈનની શરૂઆત થાય છે.
ડીજી વણઝારા છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં સામાજિક અને સાંસ્કૃતિક આંદોલન કરી રહ્યાં હતા. છેલ્લા ઘણાં સમયથી વણઝારાની રાજનીતિમાં આવવાની અટકળો હતો. આ અટકળોનો આખરે અંત આવતા તેમણે પોતાની નવી પાર્ટીનું એલાન કરીને ભાજપનો વિકલ્પ બનવાનો દાવો ઠોક્યો છે.
એવું કહેવાય છે કે, ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા ના જણાતાં વણઝારાએ નવી પાર્ટી બનાવી છે. ગુજરાતમાં ફેક એન્કાઉન્ટરનું એક લાંબુ લિસ્ટ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ રહેવા દરમિયાન વણઝારાનો કાર્યકાળ વિવાદોમાં રહ્યો છે. વણઝારાએ અનેક વર્ષો જેલમાં વીતાવવા સાથે તેમને અનેક વર્ષો સુધી ગુજરાતની બહાર રહેવું પડ્યું હતું.