Gujarat
સુરતના હીરા વેપારી તેમજ મુંબઈ સહિત 35 જગ્યા ઉપર ITની રેડ
એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે અને બીજા તબક્કાની બેઠકો કબ્જે કરવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જો કે ચૂંટણીના વાતાવરણ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સુરતમાં નામાંકિત હીરા વેપારી જૂથ ઉપર તવાઇ બોલાવી છે. સુરતના હીરા વેપારી જૂથ ધાનેરા ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગે રેડ પાડી છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં ITની ટીમ તપાસ કરી રહી છે. ડાયમંડ ગ્રુપ સાથે જોડાયેલા જમીનના ધંધાર્થીઓને ત્યાં પણ ઇન્કમટેક્સની ટીમે તપાસ હાથ ધરી છે.
કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરાઇ
સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે રેડ કરતા ચકચાર મચી ગઇ છે. સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગના કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે. અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી છે. ધાનેરા ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ રેડ પાડવામાં આવી છે. સુરત અને મુંબઇ સહિત 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી મળી છે.
મોટા પ્રમાણમાં બેનામી આવક મળવાની શક્યતા
ઇન્કમ ટેક્સ વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં બેનામી આવક મળી આવે તેવી શક્યતા છે. IT કર્મચારીઓ દ્વારા હાલમાં કંપનીના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. તો આ તરફ ઇન્કમ ટેક્સ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં એક બિલ્ડરને ત્યાં પણ તવાઇ બોલાવવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ બેનામી આવકનો આંકડો બહાર આવે તેવી શક્યતા છે.