International
પાકિસ્તાનના કરાચી કિનારે ટકરાશે ચક્રવાત બિપરજોય, 80 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા
અરબી સમુદ્રમાંથી ઉછળતું ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂનના રોજ ગુજરાતના કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના કરાચીના દરિયાકાંઠે ત્રાટકશે. બિપરજોયના ખતરાને જોતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.
શું કહે છે પાકિસ્તાન હવામાન વિભાગ?
પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત બિપરજોય કરાચીથી લગભગ 140 કિમી દૂર છે. એવી સંભાવના છે કે બિપરજોય કરાચીની સાથે સિંધના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. જોકે, 17 અને 18 જૂન વચ્ચે તેની તીવ્રતા ઘટશે. પાકિસ્તાન માટે આ સમય ઘણો પડકારજનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 140-150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 14 જૂનની સવારે, બિપરજોય કરાચીથી 470 કિલોમીટર (292 માઇલ) દક્ષિણમાં અરબી સમુદ્રમાં હતું.
80 હજારથી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.
ચક્રવાત બિપરજોય પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સૌથી વધુ નુકસાન કરે તેવી શક્યતા છે. તેને જોતા સેના અને નૌકાદળને 80,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. થટ્ટા, કેટી બંદર, સુજાવલ, બદીન, થરપારકર અને ઉમરકોટ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરેકને સરકારી શાળાઓ, ઓફિસો અને અન્ય આશ્રયસ્થાનોમાં મોકલવા માટે આર્મી અને નેવીની મદદ લેવામાં આવી રહી છે.
પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે બેઠક યોજી હતી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ચક્રવાતની તૈયારી અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સત્તાવાળાઓને વિસ્થાપિત પરિવારોને ખોરાક, આશ્રય અને અન્ય સહાય પૂરી પાડવા અને જોખમમાં રહેલા તમામ લોકોનું સ્થળાંતર પૂર્ણ કરવા જણાવ્યું હતું. સત્તાવાળાઓએ છેલ્લા બે દિવસમાં દરિયાકાંઠાના શહેરોમાંથી લગભગ 45,000 લોકોને સ્થળાંતર કર્યા છે. ચક્રવાત 15 જૂને જમીન પર આવે તે પહેલાં અન્ય 35,000 સ્થળાંતર થવાની ધારણા છે.