Gujarat
સુરત ખાતે આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ! 11 ટ્રક બળીને ખાખ

શહેરના બારડોલી ધુલીયા ચોકડી નજીક ભીષણ આગ લાગી હતી. બુધવારે મોડી રાતે બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટેમ્પા આગમાં બળીને ખાખ થયા છે. આ સાથે ગોડાઉન અને ટેમ્પામાં વિવિધ નમકીન અને વેફર્સ ભરેલાં હતા જે પણ બળીને ખાખ થઇ ગયા છે. જોકે, સદનસીબે આ આગને કારણે અત્યાર સુધીમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આગની જાણ થતા બારડોલી પોલીસ સહિત ફાયરની ટીમો તાત્કાલિત પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.
ગોડાઉનમાં રાખેલો સામાન બળી ખાખ થતા લાખોનું નુકસાન થયુ હોવાનું અનુમાન સેવાઈ રહ્યુ છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આ ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે થયાનું હાલ સામે આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા બારડોલી પોલીસ સહિત 3 ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. વિકરાળ બનેલી આગને કલાકોની મહામહેનતે કાબૂમાં લેવામાં આવી છે.
બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગના સમાચાર વાયુવેગે પ્રસરતાં આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. થોડી જ વારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
બારડોલી ઉપરાંત રાજકોટના ગોંડલમાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. બુધવારે રાત્રી દરમિયાન ગોડાઉનના ગ્રાઉન્ડમાં પડેલી પ્લાસ્ટિકની બોરીઓમાં ફટાકડાના તણખલા ઉડતા એકાએક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગની અધિકારીઓ સહિત 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી.
આ વિકરાળ બનેલી આગને પણ ભારે મહેનત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે આ આગને કારણે પણ કોઇ જાનહાની થયા હોવાનું સામે આવ્યું નથી.