Bhavnagar
ભાવનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
ભાવનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક
દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરશે:રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે: ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ભાવનગરમાં ૪૧,૨૫૭ એકરમાં ૫૦,૬૩૬ લોકોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો, સહસંયોજકો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરી છે. પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળવા સાથે પાકોના પોષણક્ષમ ભાવ પણ મળે છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. રાજ્યપાલએ જણાવ્યું કે, રાસાયણિક ખેતી એ આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે. હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોનું મુખ્ય કારણ ઝેરયુક્ત આહાર છે, એમ જણાવી તેમણે પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય કાર્ય ગણાવ્યું હતું. રાજ્યપાલએ કહ્યુ કે, દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરશે અને વાતાવરણમાં પણ સુધારો આવશે. ભાવનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક અભિયાનને મિશનમોડ તરીકે અપનાવે તો હજુ ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થશે. વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની જાણકારી મળી રહે તેવા પ્રયાસ કરવાની તેમણે અધિકારીઓને સુચના આપી હતી. પ્રાકૃતિક ખેતી થકી આવકમાં તો વધારો થશે જ પરંતુ જમીનને બંજર બનતા પણ રોકી શકીશું, જમીનની ફળદ્રુપતા પણ વધશે. દેશી ગાયોમાં સેક્સ શૉર્ટેડ સિમન દ્વારા જો કૃત્રિમ બીજદાન કરવામાં આવે તો ઉત્તમ પ્રકારની વાછરડીઓનો જન્મ થશે.રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી, કઈ રીતે પ્રાકૃતિક કૃષિ કરવી, જીવામૃત, ઘન જીવામૃત વગેરે કેવી રીતે બનાવવું તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા, ખેડૂતોની વસ્તુઓ વેચવા માટે જગ્યા ફાળવવા માટે રાજ્યપાલએ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન.પરમારે રાજ્યપાલશ્રી સમક્ષ માહિતી આપતાં જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુમાં કુલ- ૨,૫૩૭ ક્લસ્ટર બેઝ તાલીમમાં ૩૯,૪૦૦ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે, તેમજ જિલ્લામાં ૪૧,૨૫૭ એકરમાં કુલ-૫૦,૬૩૬ લોકોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, ઇ.ચા.જિલ્લા વિકાસ અધિકારીડી.એમ.સોલંકી, નાયબ બાગાયત નિયામક એમ.બી.વાઘમશી, જયપાલભાઈ ચાવડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ટ્રેનરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.