Gujarat
સિહોર શહેરમાં ચોમેર ગુરૂપુર્ણિમા મહોત્સવની પરંપરાગત ઉજવણી, હજજારો શ્રધ્ધાળુઓ ઉમટયા

સિહોર શહેરમાં ચોમેર ગુરૂપુર્ણિમા મહોત્સવની પરંપરાગત ઉજવણી, હજજારો શ્રધ્ધાળુઓ ઉમટયા





શહેર અને તાલુકાના મંદિરો તેમજ મઢુલીએ ઉજવણી કરાઇ ; બાપા સીતારામના ગગનભેદી જયનાદ અને જય જયકાર વચ્ચે શ્રધ્ધાળુઓએ દર્શન, પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી
દેવરાજ
ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસ કો લાગુ પાય, બલિહારી ગુરૂ આપ કી, જીસને ગોવિંદ દિયો દિખાયના નાદ સાથે સિહોરમાં ઠેર-ઠેર આજે રવિવારે પરંપરાગત રીતે ગુરૂપુર્ણિમા મહોત્સવની ભાવ અને ભકિતમય માહોલમાં રંગે ચંગે ઉજવણી કરાઈ હતી. આ અવસરે ચોમેર મહિમાપુર્ણ ગુરુપુજન, પાદુકા પુજન, ભાવપુજન,ધ્વજારોહણ, સત્સંગ, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ નિમીત્તે ઠેર ઠેર કલાત્મક મઢુલીઓ બનાવાઈ હતી. શહેર અને તાલુકામાં ઠેર ઠેર આજે રવિવારે ગુરૂપુર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી, સિહોર શહેરમાં હનુમાનધાર, પ્રગટનાથ રોડ પર, હનુમાનની લીંબડી ખાતે, મોંઘીબાની જગ્યામાં સિહોર તાલુકાના જુના જાળીયા ખાતે, મઢડામાં ભગવતીબાપુના આશ્રમમાં, આંબલાના વાંકીયા હનુમાન મંદિર ખાતે, દેવગાણામાં ગોપાલ આશ્રમ, અગીયાળીમાં ગણેશ આશ્રમ, ઉસરડ ખાતે જાયારામબાપાની જગ્યા સહિતના સ્થળોએ પરંપરાગત રીતે ગુરુપુનમ ધામધૂમથી ઉજવાઈ હતી. આ અવસરે ગુરૂપુજન,અર્ચન, ધ્વજારોહણ, મહાઆરતી અને પ્રસાદ તેમજ રાત્રીના ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો હતો.ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા ખાતે ગુરૂપુર્ણિમા પર્વે ગૌતમેશ્વર મહાદેવના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિએ આર્શિવચન આપ્યા હતા. છાત્રોએ ગુરૂપુજન કર્યુ હતુ. પુજન, વંદના વિધિ થઈ હતી. ગુરૂપુજન, આરતી સાથે સત્સંગ સંકિર્તનમાં ભાવિકો જોડાયા હતા. આ ઉપરાંત આસપાસના અનેક ગામોના સેવકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને ગુરુપુજન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો.






