International
ઇંડોનેશિયામાં બાળકોના તમામ શિરપ પર લગાવાયો પ્રતિબંધ! 99 બાળકોના મોત બાદ લેવાયો નિર્ણય

ઈન્ડોનેશિયાની સરકારે દેશમાં બાળકોના સિરપ અને તમામ પ્રવાહી દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં 99 બાળકોના મોતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સિરપ લીધા પછી બાળકોની કિડનીને ગંભીર નુકસાન થયું હતું. આ કારણોસર, બાળકો માટે તમામ સિરપ અને પ્રવાહી દવાઓના સપ્લિમેન્ટ્સના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇન્ડોનેશિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. તેમના મતે જાન્યુઆરીથી દેશમાં બાળકોના મૃત્યુની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા મુહમ્મદ સાયરિલ મન્સૂરના જણાવ્યા અનુસાર, 20 પ્રાંતોમાં 99 લોકોના મોત થયા છે.
મન્સૂરે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે, મંત્રાલયે તમામ હોસ્પિટલો અને ડોકટરોને સીરપ અથવા પ્રવાહી દવાઓ ન લખવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે દવાની દુકાનોને આ સિરપ ન વેચવા અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કાઉન્ટર પરથી હટાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
ઈન્ડોનેશિયામાં બાળકોના મોતનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આફ્રિકન દેશ ગામ્બિયામાં ડીકોન્જેસ્ટન્ટ કફ સિરપના સેવનથી 70 બાળકોના મોતની તપાસ ચાલી રહી છે. મામલાની તપાસ કર્યા બાદ WHOએ ભારતમાં ફાર્મા કંપનીના કફ સિરપનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. સીરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનું વધુ પડતું પ્રમાણ હોવાનું કહેવાય છે. ભારતમાં બનતા કફ સિરપના કારણે બાળકોના મોતની તપાસ પણ દેશમાં ચાલી રહી છે.