Uncategorized
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ઠેંગો : શક્તિસિંહ ગોહિલે કહ્યું- ‘બિહારમાં પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતના ઘેડ વિસ્તાર માટે કેમ નહીં’
કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ઠેંગો : શક્તિસિંહ ગોહિલે કહ્યું- ‘બિહારમાં પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતના ઘેડ વિસ્તાર માટે કેમ નહીં’
બરફવાળા
ગોંડલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રીય બજેટને ખુરશી બચાવો બજેટ ગણાવ્યું હતું. આ બજેટમાં બિહારના નીતિશબાબુ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુને સાચવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. બજેટમાં ગુજરાત સરકારને ઠેંગો દેખાડવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું છે. લોકોને ખૂબ અપેક્ષા હતી કે આ બજેટમાં લોકો માટે કંઈક હશે, પરંતુ લોક ઉપયોગી કોઈ યોજના બજેટમાં નથી. આ ખુરશી બચાવો બજેટ છે. કેન્દ્ર સરકારને ખુરશી બચાવવી છે. બિહારના નીતિશબાબુ અને આંધ્રના ચંદ્રબાબુની સત્તામાં ટકી રહેવા માટે જરૂર છે. બાકી બીજા કોઈ રાજ્યને વિશેષ ફંડ આપ્યું નથી. આપણા ગુજરાત માટે એક શબ્દ પણ બજેટમાં નહીં. બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ખુરશી બચાવો બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરાઈ છે.બિહાર પૂર નિયંત્રણ માટે સ્પેશિયલ હજારો કરોડ ફાળવી આપ્યા છે. ગુજરાતમાં વારંવાર ઘેડ વિસ્તારમાં પાણી ભરાય છે. દર વખતે સૌરાષ્ટ્રના આપણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. નવસારી, સુરત, દ્વારકા, પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ છે. ગુજરાતમાં અનેકવાર પૂર આવે છતાં એક રૂપિયાની ફાળવણી ગુજરાત માટે કેન્દ્રીય બજેટમાં નથી. ગુજરાત સરકારે પૂરમાં અસરગ્રસ્ત લોકોને રાહત, બચાવ અને પુનર્વસનની કામગીરી તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. આ સરકાર રાહત કામગીરીમાં સંપૂર્ણ નિષ્ફળ જાય છે.ભૂતકાળમાં કોંગ્રેસ સરકાર વખતે કુદરતી આફતોમાં ખેડૂતોને સંપૂર્ણ મદદ મળતી હતી. ખેડૂતનું દુધાળું પશુ તણાઈ ગયું હોય તો તેને વળતર આપવામાં આવતું હતું. ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હોય તો તેમને આર્થિક મદદ કરવામાં આવતી હતી. વેરાવળમાં ગત વર્ષે જ્યાં મૃત્યુ થયા હતા તે સોસાયટીમાં પણ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. તેથી આ વર્ષે પણ લોકોના મૃત્યુ થયા છે. છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી. વરસાદી પાણીના નિકાલ માટે નગર અને મહાનગરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બને અને પૈસા ખવાઈ જાય છે. શહેરો અને નગરોમાં થોડા વરસાદમાં લોકોનાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાઈ જાય છે. ગુજરાત સરકાર ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે.